(એજન્સી) દહેરાદૂન, તા.૯
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમપ્રપાતને કારણે ચાર ધામની યાત્રા પર હજારો યાત્રીઓ દરેક સ્થળે ફસાયેલા છે. બદ્રીનાથ અને કેદારનાથમાં ભારે હિમપ્રપાત થવાને કારણે પ્રશાસને યાત્રીઓને સુરક્ષિત સ્થળો પર રોકવાનું કહ્યું છે. બીજી તરફ, ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ હિમપ્રપાત થવાને કારણે કાંચન જંગાની પાસે બંધ થઈ ગયો છે. જો કે બીઆરઓએ લામબગડ, જોશીમઠમાં યાત્રીઓ માટે રસ્તાઓ ખોલી નાંખ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વાતાવરણ સ્વચ્છ થતાં જ યાત્રાની ફરીથી શરૂઆત કરવામાં આવશે. રૂદ્રપ્રયાગના જિલ્લાધિકારી મંગેશ ધિલ્ડિયાલે જણાવ્યું કે, શ્રદ્ધાળુઓને વાતાવરણ સ્વચ્છ થાય ત્યાં સુધી લિંચૌલી અને ભીમબલી જેવા યાત્રાઓના તબક્કાઓ પર પ્રતિક્ષા કરવાનું જણાવવામાં આવ્યું છે. વર્તમાનમાં કેદારનાથ ધામમાં બે-ત્રણ વર્ષ સુધી બરફના સ્તર જામી ગયા છે. ઉપરાંત, જિલ્લાધિકારીએ જિલ્લામાં બે શ્રદ્ધાળુઓના મોતની પણ પુષ્ટિ કરી છે તેમનું મોત હૃદય રોગનો હુમલો થવાને કારણે નિપજ્યું છે, ઠંડી સાથે તેને કોઈ જ લેવા દેવા નથી. ચમોલી પોલીસે જણાવ્યું કે, વરસાદ અને કાટમાળ પડવાનું ઓછું થતાં જ માર્ગને યાત્રા માટે પુનઃ ખુલ્લો મૂકવામાં આવશે.