(એજન્સી) બેંગલુરુ, તા. ૯
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને મતદાનની પળ બહુ જ નજીક આવી રહી હોવાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા મતદારોને આકર્ષવાના પેંતરા પણ જોરદાર રીતે કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ હવે એક ગ્રાફિકના માધ્યમથી પ્રજાને સમજાવવાનું શરુ કર્યું છે કે રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કોઇ સ્પર્ધા નથી. ગ્રાફિકમાં ૨૦૦૮થી માંડીને ૨૦૧૩ સુધી રાજ્યમાં રહેલી ભાજપ સરકારના કામકાજ અને ૨૦૧૩થી માંડીને ૨૦૧૮ સુધીની કોંગ્રેસ સરકારની ઉપલબ્ધિઓના તુલનાત્મક આંકડા આપવામાં આવ્યા છે. ગ્રાફિકના હિસાબે રાજ્યમાં ભાજપ સરકારના પાંચ વર્ષમાં ૨૬.૬૪ લાખ રોજગાર પેદા કરવામાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસની સરકારમાં ૫૩ લાખ લોકોને નોકરીઓ મળી છે. ભાજપની સરકારમાં ૬૫૬૦ કરોડની લોન ખેડૂતોને મળી તો કોંગ્રેસના શાસનમાં આ આંકડો ૧૨,૦૦૦ કરોડનો રહ્યો છે. મેટ્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપના શાસનમાં ૬.૭ કિમી. નમ્મા મેટ્રો પુરી થઇ જ્યારે કોંગ્રેસના શાસનમાં ૪૨.૩ કિલોમીટર. કોંગ્રેસના દાવા મુજબ ભાજપના સમયમાં ૧૧.૩ લાખ આવાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા જ્યારે કોંગ્રેસે ૧૫.૫ લાખ ઘર બનાવ્યા છે. ગ્રાફિકમાં લગભગ દરેક એ વર્ગ અને પેઢી સાથે સંબંધિત યોજનાઓના આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સીધા તેમને અસર કરે છે. ગ્રાફિક્સમાં એમબીબીએસથી માંડીને બજેટ, સમાજ કલ્યાણ ફંડ, શિક્ષકોની નિયુક્તિ, દૂધનું ઉત્પાદન, રોડ નિર્માણ, ગામડાઓમાં શૌૈચાલય નિર્માણ, પછાત વર્ગ માટે નાણા, રોકાણની સંભાવનાઓ વગેરેના આંકડાઓનો ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છે કે, રાજ્યની ૨૨૪ સીટ માટે ૧૨મી મે ના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે અને ૧૫મી મે ના રોજ પરિણામ જાહેર કરાશે.