(એજન્સી) વોશિંગ્ટન, તા.૯
પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ર૦૧પ ઈરાન પરમાણુ સંધિથી અલગ થવાના નિર્ણયની ટીકા કરી કહ્યું કે આ એક ગંભીર ભૂલ છે. ઓબામાએ ઈરાન પરમાણુ સંધિ તોડી નાંખવાના ટ્રમ્પના ફેંસલા બાદ તરત જ પ્રતિક્રિયા આપી હતી કે ઈરાન દ્વારા સંધિના કોઈપણ ઉલ્લંઘન વિના કાર્યવાહીની સંયુક્ત વ્યાપક યોજનાને જોખમમાં મૂકવાનો નિર્ણય ગંભીર ભૂલ છે. ઓબામાએ કહ્યું કે, ઈરાન, રશિયા, ચીન, ફ્રાંસ, બ્રિટન અને જર્મની સાથે મળી કરાયેલ ઈરાન પરમાણુ સંધિથી અમેરિકાને અલગ કરી દેવાનો નિર્ણય ભ્રમિત કરવાવાળો છે. તેમજ અમેરિકાના નજીકના સહયોગીઓથી મોઢું ફેરવી લેવા જેવો છે. ઓબામાએ કહ્યું કે, લગાતાર સમજૂતીની ઉપેક્ષા કરવાથી અમેરિકાની વિશ્વસનિયતા ખતરામાં પડી શકે છે. તેમજ વિશ્વના શક્તિશાળી દેશો સાથે મતભેદ થશે.
ઓબામાએ કહ્યું કે ઈરાન પરમાણુ સમજૂતી મુજબ તેની જવાબદારીઓ નિભાવી રહ્યું છે. સંધિથી ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં ઘણી કમી આવી છે. ઈરાન તેની જવાબદારી નિભાવે છે. અમેરિકા દ્વારા પરમાણુ સંધિથી અલગ થઈ જવાના નિર્ણયથી ઈરાન સમજૂતી સાથે જોડાયેલ પ્રતિબદ્ધતાઓ પ્રત્યે મોઢું ફેરવી શકે છે જેનાથી હથિયારોની દોડ શરૂ થઈ શકે છે.
ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેની પરમાણુ સમજૂતીની વ્યાપક ટીકા કરાઈ હતી. તેમણે સમજૂતીને ખરાબ ગણાવી હતી. સંધિના વાર્તાકાર પૂર્વ વિદેશમંત્રી જ્હોન કેરી હતા. ર૦૧પમાં ઈરાન અને સંયુક્ત સુરક્ષા પરિષદના પ સભ્યો જર્મની અને યુરોપિયન સંઘ વચ્ચે વિયેનામાં ઈરાન પરમાણુ સંધિ થઈ હતી. ટ્રમ્પના સંધિ તોડવાના નિર્ણયથી ઈરાનની અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે. તેમજ પશ્ચિમ એશિયામાં તનાવ વધશે. ઓબામાના કાર્યકાળમાં ઈરાન સાથે પરમાણુ સંધિ થઈ હતી. ઈરાને પરમાણુ સંધિ બાદ પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવી હતી. ઈરાન માટે પરમાણુ બોમ્બ બનાવવો મુશ્કેલ બની ગયો હતો. ટ્રમ્પે મંગળવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુલ મેક્રો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી હતી. બ્રિટિશ વિદેશમંત્રી વોશિંગ્ટન ગયા હતા કારણ કે તેઓ કરાર ચાલુ રહે તે માટે ટ્રમ્પને મનાવી શકે. ટ્રમ્પના નિર્ણય અંગે જર્મની, બ્રિટન, રશિયા, ફ્રાંસ જેવા દેશોએ ખેદ વ્યક્ત કર્યો હતો.