(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૯
વાઘોડીયા રોડ પરિવાર ચાર રસ્તા નજીક આવેલ વૃંદાવન હાઇટસ ખાતે એક ૨૦ વર્ષનો યુવાન રાત્રીના સમયે નવમાં માળેથી નીચે પટકાતા તેનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. હત્યા કે આત્મહત્યા આ બનાવને પગલે ચર્ચાનો વિષય બન્યો છે. પાણીગેટ પોલીસે બનાવ મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતોનુસાર પરિવાર ચાર રસ્તા પાસે આવેલ વૃંદાવન હાઇટસ નામના બહુમાળી ફલેટસ આવેલા છે. આ ફલેટના નં.૪૦૪માં રહેતાં મલય રમેશભાઇ વરેડીયા (ઉ.વ.૨૦) ગઇકાલે મધ્યરાત્રી બાદ ફલેટના નવામાં માળેથી રહસ્યમય રીતે નીચે પટકાયો હતો. જોકે આ બનાવ સમયે રાત્રીના વાહનોને ઘોંઘાટ ઓછો હોવાથી મલય વરેડીયાના પડવાનો અવાજ મોટો આવ્યો હતો. જેના પગલે ફલેટના લોકો બહાર દોડી આવ્યા હતા.
રહીશોએ ફલેટની નીચે જોતા જ મલયમ વરેડીયાના માથામાંથી લોહીના ફુવારા ઉડી રહ્યાં હતા અને ખાબોચીયા સાથે પાણીના રેલાની જેમ લોહી વહેવા લાગ્યું હતું. અલબત્ત નવમાં માળેથી પટકાયેલા મલય વરેડીયાનું સ્થળ પરજ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બનાવને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો. પોલીસે હત્યા, આત્મહત્યા કે ભૈદી કારણોએ દિશા તરફ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. હાલનાં તબક્કે આપઘાતનું રહસ્ય અકબંધ રહ્યું છે.
જ્યારે જેપી રોડ તાંદલજા સ્થિત મુક્તિનગર કોઠારી વસાહતમાં રહેતી વર્ષાબેન સુરજભાઇ માળી (ઉ.વ.૨૨)ના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતા. બીજા બનાવમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ખટરાગ મામલે આવેશમાં આવી ગયેલી પત્ની વર્ષા માળીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવની જાણ જેપી પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો.