અંકલેશ્વર, તા.૯
કરજણ સિંચાઈ યોજના કાર્યરત થાય અને કાર્ય વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં સિંચાઈના પાણી મળી રહે તે માટે રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલની આગેવાનીમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના ધારાસભ્યો તથા કોંગ્રેસના આગેવાનોએ ગાંધીનગર જઈ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજ્યપાલને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભરૂચ અને નર્મદા જિલ્લાના નાંદોદ, ઝઘડિયા અને વાલિયા અંકલેશ્વર તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ સિંચાઈ યોજના આવેલી છે. જેની ડેમ સાઈટ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ છે. ડાબા અને જમણા કાંઠાનો કાર્ય વિસ્તાર ધરાવતી ઉપરોકત સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની ૪૦,૦૦૦ હેકટર જમીન અને જમણા કાંઠાની ૧૧,૦૦૦ હેકટર જમીન કાયમી સિંચાઈ હેઠળ આવે એમ છે. પરંતુ રાજ્ય સરકારના ખેડૂતો સાથેના ઓરમાયા વર્તનના પરિણામરૂપ અને વહીવટી અકૂશળતાને લીધે નહીવત વિસ્તાર ૧૦,૦૦૦ હેકટરમાં પિયત થાય છે. ખૂબ સારો જળસ્ત્રાવ વિસ્તાર ધરાવતી કરજણ સિંચાઈ યોજનામાં આજે પણ જરૂરિયાત મુજબનો પાણીનો વિપુલ જથ્થો ઉપલબ્ધ હોવા છતાં વહીવટી અકુશળતાની નમૂનારૂપ કામગીરી કરીને આ યોજનાને મૃતપાય બનાવવામાં આવી રહી છે. ડેમમાં જરૂરિયાત મુજબનું પાણી છે અને ડેમમાં સંગ્રહાયેલ પાણીનો પુરેપુરો ઉપયોગ ખેતીવાડી સિંચાઈ માટે કરવાનો હોય નહેર નેટવર્ક પણ તૈયાર છે. માત્રને માત્ર રાજ્ય સરકારની ગંભીર પ્રકારની અકુશળતાને લીધે બધી જ રીતે મજબૂત અને સક્ષમ યોજનાના કાર્ય વિસ્તારના ખેડૂતો સિંચાઈથી વંચિત છે. કરજણ જળાશય યોજનામાંથી વેસ્ટેજ રૂપે હજારો ક્યુસેક પાણી છોડીને નર્મદા નદીની ખારાશ દૂર કરવા માટે ખોટી રીતે અને બીનજરૂરી કાયદાથી વિરૂદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરથી સાબિત થાય છે કે, ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જે કહેવત સાર્થક થાય છે. નહેરના પાણીની ખામી ભરેલી વિતરણ વ્યવસ્થાને લીધે ૯૦ % જેટલું પાણી વેસ્ટેજ જાય છે અને કર્મચારીઓ અને અધિકારીઓની નિષ્કાળજીના લીધે વારંવાર નહેરો તૂટી જાય છે જેના કારણે ખેડૂતોને નિયમિત પાણી મળતું નથી જેથી સિંચાઈ પર નભતા ખેડૂતોની ખેતી થઈ શકતી નથી ખેડૂતોને આપઘાત કરવો પડે એવી પરિસ્થિતિ સર્જાય એવા ગંભીર સંજોગો છે.
કરજણ જળાશય યોજનાનો સમગ્ર વિસ્તાર નાના અને સિમાંત ખેડૂતોની સાથે આદિવાસી ખેડૂતોથી સમાયેલો છે. કરજણ જળાશય યોજના સિવાય આ વિસ્તારના ખેડૂતો પાસે સિંચાઈ માટે અન્ય કોઈ વિકલ્પ નથી તેમજ આ કમાન્ડ વિસ્તારની અંદર બારેમાસ વહેતી કોઈ નદીઓ નથી. જેના કારણે ભૂગર્ભ જળ આ વિસ્તારની અંદર ખૂબ જ ઊંડા છે. જેથી બોરવેલ, ટ્યુબવેલ કે કૂવા દ્વારા પણ આ વિસ્તારમાં સિંચાઈ જઈ શકે એમ નથી. જેના કારણે આ વિસ્તારના નાના સિમાંત અને આદિવાસી ખેડૂતોની આજીવિકાનો ખૂબ જ મોટો વિકટ પ્રશ્ન ઊભો થયેલ છે. જેથી આ યોજનાના નિર્ધારીત કરેલ કમાન્ડ વિસ્તારની અંદર ૧૦૦ % સિંચાઈનું પાણી ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતા પૂર્વક કરવામાં આવે એ જરૂરી છે. વધુમાં આ મહત્વકાંક્ષી યોજનાના સફળ સંચાલન માટે ત્રિમાસિક મોનીટરીંગ હાઈપાવર કમિટી બનાવવા અને ઉપરોકત કમિટીમાં કરજણ સિંચાઈ યોજનાના કાર્ય વિસ્તારના ખેડૂતોનો સમાવેશ થાય તેવી માગણી કરવામાં આવી છે.
આ રજૂઆત વખતે ગણેશ સુગરના ચેરમેન સંદિપ માંગરોલા, ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.