(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૯
૧૧ બેંકોમાંથી ૨૬૫૪ કરોડની લોન લઇ બેંકો સાથે ઠગાઇ કરનાર બિઝનેસ મેન અમિત ભટનાગરનાં નિવાસ સ્થાનેથી ઇ.ડી.ના અધિકારી હોવાનું રોફ જમાવી તેની ઓડી કાર ઉઠાવી ચોરી કરી જવાની ઘટનામાં પોલીસે શહેરનાં કોંગ્રેસ અગ્રણીના પુત્ર સહિત ૬ વ્યકિતઓની ધરપકડ કરી આ ઓડી કાર ખરીદવા કોંગી અગ્રણીનાં પુત્રએ ૨ લાખમાં સોદો કર્યો હતો.
પ્રાપ્ત થતી વિગત અનુસાર ૨૬૫૪ કરોડનાં લોન કૌભાંડનાં આરોપી ઁઅમિત ભટનાગરનાં ન્યુ અલકાપુરી રોડ પર આવેલા મધુરમ બંગ્લોઝમાં ગત ૫ મેનાં રોજ સાંજના સમયે કેટલાક અજાણ્યા વ્યકિતઓ પોતે ઇ.ડી.નાં અધિકારીઓનાં સ્વાંગમાં પહોંચી તેના પરિવારજનો પર રોફ જમાવી આર.ટી.ઓ.ના ઇન્સ્પેકશનનાં નામે અમિત ભટનાગરની ૧.૫૦ કરોડની કિંમતની વૈભવી ઓડી કાર ઉઠાવી ચોરી ગયા હતા. આ ભેજાબાજો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.
બનાવ અંગે દિવાળીપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન અમિત ભટનાગરની આ કાર રાજપીપળા પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. દિવાળીપુરા પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસે સીસીટીવીનાં ફુટેજ તેમજ વધુ તપાસ કરતાં આ સમગ્ર ઘટનામાં વડોદરા શહેરનાં કોંગ્રેસનાં અગ્રણી અને પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીનાં પુત્ર શ્રીકાંત ગાંધી તથા તેના મિત્ર સંજુ ડાભીની સંડોવણી બહાર આવી હતી. પોલીસે આ બંને સહિત બોગસ ઇ.ડી.નાં અધિકારીઓ બની કાર ચોરી જનાર પ્રકાશ નાયડુ તેમજ અમિત ભટનાગરનાં બે ડ્રાઇવર નગીન અને કરશન રાઠવા સહિત છ જણાંની ધરપકડ કરી હતી.
એસ.ઓ.જી.નાં પી.આઇ. ચૌહાણે જણાવ્યું હતું કે, શ્રીકાંત ગાંધી કાર લે-વેચનો તેમજ લીઝ પર આપવાનો વ્યવસાય કરે છે. શ્રીકાંતે તેના મિત્ર કાર ચોરીનો ધંધો કરતાં પ્રકાશ નાયડુ અને વેરીયસ નામનાં શખ્સનો સંપર્ક કરાવ્યો હતો. અમિત ભટનાગરની ચોરીની ઓડી કાર માટે તેમને ૮ લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ કાર ચોરીની હોવાથી ૨ લાખ રૂપિયામાં સોદો થયો હતો. જ્યારે અમિત ભટનાગરની કારની ચોરીનાં સમાચારો પ્રસરતાં શ્રીકાંત ગાંધીએ ગભરાઇને કાર રાજપીપળા તેના મિત્રને ઘરે મુકાવી દીધી હતી. જે બાદમાં રાજપીપળા રોડ પરથી પોલીસને બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.