અમદાવાદ,તા.૯
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન ગુજરાતને પાણીની સમસ્યાથી કાયમી મુક્તિ અપાવનારૂ જન અભિયાન બની રહેશે તેનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમદાવાદ જિલ્લાના ઓડ ગામે આ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, આ જળસંચય અભિયાન ૧૦૦ ટકા જનભાગીદારીથી હાથ ધરાઈ રહ્યું છે. તળાવો ઊંડા કરવાની જે માટી નીકળે છે તેની કોઈ જ રોયલ્ટી સરકાર લેશે નહિં એવો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યભરમાં ૧૩૦૦૦ તળાવો ઊંડા કરવાનું તેમજ ૩૨ નદીઓ પુનઃજીવીત કરવાનું સૌથી મોટુ જળસંચય અભિયાન દેશભરમાં ગુજરાતની આ સરકારે ઊપાડ્યું છે. આ અભિયાનથી ૧૧૦૦૦ લાખ ઘનફુટથી વધુ પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે. મુખ્યમંત્રીએ જળસંચયના આ અભિયાનને રાજ્યના લોકો તન મન અને ધનથી તેમજ ઉત્સાહથી સહકાર આપી રહ્યા છે તે માટે અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા જળસંચયના આ અભિયાન માટે પોતાના એક દિવસના પગાર પેટે રૂપિયા ૧૧ લાખનો ચેક મુખ્યમંત્રી અર્પણ કર્યો હતો.