અમદાવાદ,તા. ૯
શહેરના બાપુનગર વિસ્તારમાં શ્રી ડી.એન.પટેલ પોલીટેકનીક એજયુકેશન ટ્રસ્ટ અને હરદાસબાપુ પટેલ સમાજકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે અમદાવાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના હેઠળ ખાસ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન પ્રસંગે રાજયના ઉદ્યોગ કમિશનર મમતાબહેન વર્માએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા યુવાનોને રોજગારી અને તાલીમ માટે એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના અમલી બનાવી છે, જે બેરોજગાર યુવાનોને તેમની કારકિર્દી બનાવવા માટે જીવનમાં સોનેરી તક સમાન છે. જે પ્રકારે ગુજરાતનો અને ભારતનો વિકાસ થઇ રહ્યો છે તે જોતાં યુવાનો માટે હવે વિવિધ ક્ષેત્રોમાં નોકરી અને રોજગારની બહુ વિપુલ તકો રહેલી છે. બસ યુવાનોએ તેમનામાં રહેલી ક્ષમતાઓ ઓળખીને પોતાના આત્મવિશ્વાસને જગાવવાની જરૂર છે. તેમણે યુવાનોને ખાસ સંદેશો આપતાં ઉમેર્યું કે, તમે નોકરી કે તાલીમમાં જે કંઇ પણ શીખો કે કાર્ય કરો તે પૂરા દિલથી અને ધગશથી કરો, તેના થકી એક દિવસમાં તમે સફળતાના શિખરો સર કરી શકશો. તેમણે વધુમાં સરકારની આ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ૨૨ જેટલા ભરતી મેળા યોજાયા છે, રાજયભરમાં જુદા જુદા સ્થળોએ આ મેળાનું આયોજન ચાલુ જ છે અને ભવિષ્યમાં વધુ મેળા પણ યોજાવાના છે. અમદાવાદ જિલ્લામાં આ યોજના હેઠળ અત્યારસુધીમાં ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા યુવાનોને એપ્રેન્ટીસશીપમાં લગાડી દેવામાં આવ્યા છે.