અમદાવાદ, તા.૯
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વધતી રાજકીય દખલગીરી અને લોકોની પરેશાનીને દુર કરવાના ઉદ્દેશથી ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્વનો અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, ગ્રામ પંચાયતના સરપંચ સામે તેની ટર્મના એક વર્ષ સુધી પંચાયતના સભ્યો અવિશ્વાસ દરખાસ્ત નહીં લાવી શકે અને તેમને દુર નહીં કરી શકે. આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ સામે પણ ૬ માસ સુધી અવિશ્વાસની દરખાસ્ત લાવીને તેમને દુર નહીં કરી શકાય. રાજયની પંચાયત વ્યવસ્થાને મજબૂત કરતો ખૂબ જ મહત્વનો ચુકાદો આપતા હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, ચૂંટણીના તુરંત બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પારિત કરીને સરપંચને દૂર કરવા એ પંચાયતી રાજના મૂળ હેતુથી વિપરીત છે. જે પંચાયત રાજના મૂળભૂત સિધ્ધાંતના ભંગ સમાન છે. આ ચુકાદા મારફતે ગુજરાત હાઇકોર્ટે ગ્રામ પંચાયતોના સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખોને બહુ મોટી રાહત આપી છે. એક રીતે હાઇકોર્ટે તેઓને કાયદાકીય રક્ષણ પૂરું પાડયું છે એમ કહી શકાય. હાઇકોર્ટનો આ ચુકાદો ગુજરાતના પંચાયતી રાજની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો અને ઠરાવ્યું હતું કે, ગ્રામ પંચાયતના સરપંચ સામે તેની ટર્મના એક વર્ષ સુધી પંચાયતના સભ્યો અવિશ્વાસ દરખાસ્ત નહીં લાવી શકે અને તેમને દુર નહીં કરી શકે. આ જ તાલુકા પંચાયતના પ્રમુખ સામે પણ ૬ માસ સુધી અવિશ્વાસની દરખાસ્ત લાવીને તેમને દુર નહીં કરી શકાય. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.