અમદાવાદ, તા.૯
બિટકોઈન તોડ પ્રકરણમાં રોજ નવા-નવા વળાંકો આવી રહ્યા છે. ત્યારે હવે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ફેક્સ કરીને પોતાની વાત સીઆઈડી ક્રાઈમને કહેવા તેવો તમાશો કરી રહ્યા છે અને પોતાની ધરપકડ ટાળવા માટે પત્ર લખીને કોટડિયાએ સીઆઈડી ક્રાઈમ પાસે થોડો સમય માંગ્યો છે. નલિન કોટડિયાને બે સમન્સ મોકલવામાં આવ્યા હોવા છતાં તેઓ હાજર ન થતાં સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે નલિન કોટડિયાએ સીઆઈડી ક્રાઈમને કાકલૂદી કરતો પત્ર લખીને તા.૧૧મી સુધી ધરપકડ ન કરવા વિનંતી કરી છે. તદ્ઉપરાંત ત્રીજું સમન્સ મોકલતા પહેલાં તેમનો મુદ્દો પણ જાણી લેવાની રજૂઆત કોટડિયાએ પત્રમાં કરી છે. બીજી તરફ કોટડિયાનો પત્ર મળવા છતાં તેની ધરપકડ કરવા સીઆઈડીએ ચક્રો ગતિમાન કર્યા છે. બિટકોઈન કૌભાંડમાં નલિન કોટડિયાની સામેલગીરી સ્પષ્ટ થઈ જવા છતાં જેલ જવાથી બચવા માટે નલિન કોટડિયાના હવાતિયાં મારી રહ્યાં છે. હજી સુધી નલિન કોટડિયાને ત્રીજું સમન્સ મોકલી ધરપકડ કરવામાં કેમ નથી આવી તે એક પ્રશ્ન છે. રાજકારણીઓ પર આરોપ હોવા છતાં હજી સુધી તેમની ધરપકડ કરવામાં નથી આવી તે એક મહત્ત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો છે. શું કોઈને બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેવા પ્રશ્ન ચર્ચાના ચગડોળે ચડ્યા છે. મહત્ત્વનું છે કે અગાઉ પણ કોટડિયા તેમના એન્કાઉન્ટર અને મોટા માથાઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરી હતી. બિટકોઈન પ્રકરણમાં નલિન કોટડિયા ગમે તે સમયે સીઆઈડી ક્રાઈમની કસ્ટડીમાં હશે જો તેઓ પોલીસ સમક્ષ હાજર ન થાય તો સીઆઈડી ક્રાઈમના અધિકારીઓની સૂચના બાદ ગમે તે સમયે નલિન કોટડિયાને ઝડપી લેવામાં આવશે. હાલ સીઆઈડી ક્રાઈમે કેતન પટેલના ભાઈ જતીન પટેલની શોધખોળ હાથ ધરી છે. નલિન કોટડિયાના ૩૧ લાખ રૂપિયા હાલ જતીન પટેલ પાસે છે. જ્યારે કેતન પટેલના ૬૬ લાખ રૂપિયા પણ તેમની પાસે હોવાની શક્યતા છે.