Ahmedabad

રાજ્યમાં માર્ગ-અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ૪૮ કલાક માટે સરકારી ખર્ચે સારવાર

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૯
રાજ્યમાં વાહન-અકસ્માતોના વધતા બનાવોને લઈ રાજ્ય સરકારે તેમાં પ્રજાને રાહત માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં બનતાં માર્ગ અકસ્માતના બનાવોમાં ગુજરાતના કે ગુજરાત બહારની કોઈપણ વ્યક્તિને ઈજા થાય તો તેની ૪૮ કલાકની તમામ પ્રકારની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. રાજ્યના કોઈપણ વિસ્તારમાં થયેલ અકસ્માતના બનાવમાં તમામ ઈજાગ્રસ્તોને પછી ભલે તે કેટલીય આવક ધરાવતો હોય તેને સરકારી ખર્ચે સારવાર આપવામાં આવશે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં વધતી જતી વાહનોની સંખ્યાને પરિણામે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં અંદાજે સરેરાશ દર વર્ષે ૨૯,૩૦૯ રોડ અકસ્માત થાય છે. જેમાં દર વર્ષે સરેરાશ ૬૪૮૩ લોકો મૃત્યુ પામે છે. આવા અકસ્માતોમાં ઈજા પામનાર કે કાયમી અપંગ થયેલ વ્યક્તિ અને તેમના પરિવારજનોને ઘણી મોટી તકલીફ અને દુઃખ સહન કરવું પડતું હોેય છે. અનુભવે જણાયું છે કે, માર્ગ અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિઓને જો તાત્કાલિક, સમયસર, યોગ્ય સારવાર પ્રાપ્ત થાય તો તેવા વ્યક્તિઓના જીવન બચાવી શકાય છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે કે, ગુજરાતની હદમાં થયેલ અકસ્માત પછીના ૪૮ કલાક દરમ્યાન દર્દીઓને ૫૦,૦૦૦ સુધીની તાત્કાલિક સારવાર વિનામૂલ્યે અપાશે. જેમાં ગુજરાત, ગુજરાત બહારના કે અન્ય રાષ્ટ્રના કોઈપણ નાગરિક હોય, પરંતુ અકસ્માત ગુજરાતના કોઈપણ છેડે થયો હોય તો પણ નજીકના સ્થળે દર્દીને રાજ્યની તમામ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર પૂરી પાડશે. તેમણે ઉમેર્યું કે, અકસ્માતના પ્રથમ કલાકમાં ઈજાગ્રસ્તોને ઈમરજન્સી મેડિકલ સારવાર તાત્કાલિક મળી રહે તો ૫૦ ટકા દર્દીઓનું અમૂલ્ય જીવન બચાવી શકાય છે. અકસ્માત દરમ્યાન કોઈપણ વ્યક્તિ વહેલામાં વહેલી તકે યોગ્ય સારવાર પ્રાપ્ત કરાવા માટે અકસ્માતના સ્થળથી સૌથી વધુ નજીક આવેલ ઉચ્ચ પ્રકારની સારવાર-સુવિધા અને ડોક્ટર ધરાવતી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે તો વ્યક્તિઓને બચાવી શકાય છે. અકસ્માત દરમ્યાન ઈજાગ્રસ્ત લોકો ઝડપથી કોઈપણ ખાનગી સહિતની કોઈપણ હોસ્પિટલમાં સારવાર લેશે તો પ્રથમ ૪૮ કલાક દરમ્યાન ઈજાગ્રસ્તનું ડ્રેસીંગ, સ્ટેબીલાઈઝેશન, ફ્રેક્ચર સ્ટેબીલાઈઝેશન, શોકની પરિસ્થિતિની સારવાર, એક્સ-રે ઈજાના ઓપરેશનો, સિટી સ્કેન, એમઆરઆઈ, અલ્ટ્રા સાઉન્ડ, બ્લડ ટ્રાન્સ્ફયુઝન, માથાની ઈજાની સારવાર અને ઓપરેશન, ઘનિષ્ઠ સારવાર એકમમાં સારવાર, પેટ અને પેઢુની ઈજાઓ જેવી તમામ પ્રકારની સારવાર માટેનો તમામ ખર્ચ જે તે હોસ્પિટલોને સીધે-સીધો રાજ્ય સરકાર દ્વારા ચૂકવાશે.