અમદાવાદ,તા. ૧૦
રાજયમાં વધતા જતા દારૂના દૂષણ અને દારૂના કેસોમાં બુટલેગરોને છાવરતી સરકાર અને પોલીસ તંત્રની ભૂમિકાને લઇ ગુજરાત હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી લાલ આંખ કરી છે. હાઇકોર્ટે રાજય સરકારને રાજયભરના પોલીસ સ્ટેશનમાંથી દારૂના તમામ કેસોની વિગતો જિલ્લાવાર રજૂ કરવા આદેશ કર્યો છે. છેલ્લા એક વર્ષમાં એટલે કે, તા. ૧-૫-૧૭ થી ૧-૫-૧૮ સુધીમાં દરેક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર, કેસ નંબર, ગુનો નોંધ્યા તારીખ, આરોપી ભાગી ગયો તેનું નામ, પોલીસે રેડ પાડી તે સ્થળ, દારૂ કયા વાહનમાંથી પકડાયો તેનો વાહન નંબર સહિતની તમામેતમામ ઝીણવટભરી વિગતો સાથેનો અહેવાલ રજૂ કરવા સરકારને હાઇકોર્ટે ફરમાન કર્યું છે. આગામી તા.૩૦મી જૂન સુધીમાં સરકારને આ તમામ વિગતો સાથેનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવા હાઇકોર્ટે સ્પષ્ટ તાકીદ કરી છે. હાઇકોર્ટે પોલીસતંત્રની ગંભીર ટીકા અને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, પ્રોહીબીશનના કેસો સામે પોલીસની ભૂમિકા શોભાના ગાંઠિયા સમાન પ્રતીત થઇ રહી છે અને તેથી હવે સમગ્ર સીસ્ટમને મોનીટરીંગ કરવાનું જરૂરી બન્યું છે. પ્રોહીબીશનના કેસો અંગેની સ્થિતિને હાઇકોર્ટે સરકાર અને પોલીસ સત્તાવાળાઓની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, રાજયમાં દારૂના કેસોમાં ઘણા લાંબા સમયથી ડીઝાઇનર એફઆઇઆર કરવામા આવી રહી છે અને તેની સામે સરકારના આંખ આડા કાન કરવાથી હવે દરેક પોલીસ સ્ટેશનમાં હવે આવી ફરિયાદનો રિવાજ થઇ ગયો છે. પોલિસ બુટલેગરોના સ્થાને રેડ પાડે તે પહેલા તમામ બુટલેગરો ભાગી જ જાય? આ રીતે લોકોને મુરખ બનાવતી પોલીસ તદ્દન નિષ્ફળ સાબિત થઇ છે પ્રોહીબીશનના કેસોમાં નિષ્કિય પોલીસ સામે પણ પગલા લેવાનો સમય પાકી ગયો છે.
પ્રોહીબીશનના કેસ સામે શોભાના ગાંઠિયા સમાન બની ગયેલી પોલીસ પાસેથી તમામ વિગતો રજૂ કરવા હાઇકોર્ટે સરકારને મહત્વનો હુકમ કર્યો છે.થોડા દિવસો અગાઉ હાઇકોર્ટે પ્રોહીબીશનના કેસમાં પકડાયેલા આરોપીના જામીન અરજી વખતે કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા જેમાં સરકાર અને પોલિસની નિષ્ક્રિયતાને લીધે બુટલેગરોને છુટો દોર મળી રહ્યો હોવાની હાઇકોર્ટે આલોચના કરી હતી. દરેક એફઆઇઆરમાં દારૂના સ્થળે જતા પહેલા આરોપી ભાગી જ જાય છે? તેમને પકડવા પોલીસ પાસે કોઇ મીકેનીઝમ કેમ નથી? સરકાર શા માટે કોઇ અસરકારક પગલા લેતી નથી? તેવા અનેક સવાલોને લઇ હાઇકોર્ટે સરકાર અને પોલીસ સત્તાવાળાઓની પૃચ્છા કરી હતી. જો કે, સરકારપક્ષ સંતોષજનક ખુલાસો કરી શકી ન હતી. આખરે હાઇકોર્ટે પ્રોહીબીશનના કેસોમાં ઉપરોકત સ્થિતિ સાથેનો વિગતવાર અહેવાલ રાજય સરકાર પાસેથી તા.૩૦મી જૂન સુધીમાં માંગ્યો હતો.