(એજન્સી) તા.૧૦
સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા માટે વિશ્વભરમાં જાણીતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ગુરૂવારે ફિલિપાઇન્સમાં રહેતા એક કાશ્મીરી વિદ્યાર્થીને રાજકીય ભૂગોળનું જ્ઞાન આપ્યું હતું. શેખ અતીક નામના આ યુવકે તેના પાસપોર્ટ માટે સુષમા સ્વરાજની મદદ માગી હતી. સુષ્મા સ્વરાજને ટેગ કરતાં તેણે ટ્વીટ કરી હતી. હું જમ્મુ કાશ્મીરનો રહેવાસી છું અને અહીં ફિલિપાઇન્સમાં ચિકિત્સા વિજ્ઞાનનો અભ્યાસ કરું છું. મારા પાસપોર્ટને નુકસાન પહોંચ્યું હોવાથી મેં ૧ મહિના પહેલાં નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી હું તમને વિનંતી કરું છું કે તેને મેળવવા માટે મારી મદદ કરો મારે તબીબી પરીક્ષણ માટે ઘરે જવાની જરૂર છે.
પરંતુ સુષ્મા સ્વરાજે તેનું આ બાબત તરફ ધ્યાન દોર્યું હતું કે, તેનું પ્રોફાઈલ જણાવે છે કે તે ભારતીય કબજા હેઠળ રહેલા કાશ્મીરનો રહેવાસી છે અને આવો વિસ્તાર અસ્તિત્વ ધરાવતો નથી. સુષ્મા સ્વરાજે ટ્વીટ કર્યું હતું, જો તમે જમ્મુ-કાશ્મીર રાજ્યના રહેવાસી હશો તો અમે તમને ચોક્કસ મદદ કરીશું. પરંતુ તમારો પ્રોફાઈલ જણાવે છે કે તમે ભારતીય કબજા હેઠળના કાશ્મીરના રહેવાસી છો. આવો કોઈ વિસ્તાર નથી. સ્વરાજના ટ્વીટ પછી કાશ્મીરી વિદ્યાર્થીએ તેના પ્રોફાઈલમાં સુધારો કર્યો હતો. ત્યારબાદ સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી તેને મદદ કરવાનો આદેશ આપ્યો હતો. આ સમગ્ર વાર્તાલાપ બદલ ઘણા યૂઝર્સે સુષ્મા સ્વરાજના વખાણ કર્યા હતા.