જૂનાગઢ, તા.૧૦
જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં જ્ઞાતિ બાબતે જે લખાણ થયું હોય તે અંગે માફીપત્ર લખી આપવાના પ્રશ્ને મનદુઃખ થતાં ધમકી આપવાનો બનાવ બનવા પામ્યો છે જેમાં ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર શિવમ પોસ્ટલ સોસાયટી, રેલવે દવાખાના સામે જૂનાગઢ ખાતે રહેતા નિવૃત જિલ્લા શિક્ષણ અધિકારી બી.જી. સરવૈયાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આજથી એક વર્ષ પહેલા ગમે તે સમયે બનાવ બન્યાનું જણાવેલ છે જે અંગે જોરાવરસિંહ ભાટી રહે. પસવાડા ગામ, હુકુમતસિંહ ભાટી રહે. ડેરવાણ તેમજ જોરૂભાઈ ભાટી રહે- પસવાડાવાળા વિરૂદ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓએ ફરિયાદીના ઘરે આવી તેમને સને-ર૦૦૧માં ખાંટ સમાજની શૌર્ય ગાથા પુસ્તકમાં પોતાની જ્ઞાતિનાં લોકોનાં ઈતિહાસની જાણકારી હેતુથી ફરિયાદીએ બુક પ્રસિદ્ધ કરી હતી. પાના નં. ર૯, ૪૭, ૪૮ તથા ૧૦પમાં ભાટી સમાજના સોળવદર, ડેરવાણ અને મંડલીકપુરના વંશજોને ખાંટ જ્ઞાતિમાં જણાવ્યા હોય જે અંગે આરોપીઓએ માફીપત્ર લખી આપવા ફરિયાદીને જણાવતા ફરિયાદીએ ના પાડતા તેનું મનદુઃખ રાખી બિભત્સ ગાળો દઈ ગેરવર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ અપમાનીત કરી તેમજ સમાજના અન્ય માણસોના મોબાઈલમાં મેસેજ કરી એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ બી-ડિવિઝનમાં ગઈકાલે ૧૧.૩૦ કલાકે નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી આ બનાવની વધુ તપાસ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ પીએસઆઈ પી.જે. રામાણી ચલાવી રહેલ છે.