(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા. ૧૦
ધોળકા તાલુકાના બદરખા ગામના એક દલિત યુવકે તેના નામની પાછળ “સિંહ” શબ્દ લખતા ૧ર જેટલા ઈસમોએ જુદા-જુદા મોબાઈલ દ્વારા આ દલિત યુવકને ફોન કરી ગાળો ભાંડી જાતિ વિષયક અપશબ્દો બોલી, બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની લેખિત અરજી ઝાલા મહીપતસિંહ ભીમાભાઈએ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં આપી છે.
આ અરજીમાં જણાવાયું છે કે, ગત તા. ૮/પ/ર૦૧૮ના રોજ મારા ફોન ઉપર એક મોબાઈલથી ફોન આવેલ કે તમે ‘ફેસબુક’ તથા ‘ઈન્સ્ટાગ્રામ’માં તમારા નામ પાછળ “સિંહ” લખાવેલ છે. તો શું તમે દરબાર છો ? તો મેં જવાબમાં જણાવેલ કે હું અનુસૂચિત જાતિની ચમાર જ્ઞાતિમાં આવું છું. તેથી તે ઉશ્કેરાઈ જઈને મા-બેન સુધીની બિભત્સ ગાળો તથા મારો મોબાઈલ નંબર બીજા અન્ય મોબાઈલ નંબર ઉપર ફોરવર્ડ કરી મને જુદા-જુદા નંબરો ઉપરથી જાતિ સૂચકશબ્દ તથા બિભત્સ ગાળો તથા જાનથી માર નાખવાની ધમકી તથા ડૉ. ભીમરાવ આંબેડકર (વિશ્વ વિભૂતિ) ભારત રત્ન વિશે અપશબ્દો બોલેલા. મારા ઉપર જુદા-જુદા ૧ર મોબાઈલ નંબરો ઉપરથી ફોન આવેલા હતા. આમ જુદા-જુદા નંબરથી અમારા ફોન ઉપર વારંવાર ફોન આવેલ અને જાતિ વિષયક શબ્દો તથા વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર વિશે બિભત્સ ટિપ્પણીઓ કરેલ હોઈ આ ફરિયાદ આપીએ છીએ. આમ ઉપરોક્ત નંબર ધરાવતા ઈસમો તથા અમારો નંબર અલગ-અલગ ગ્રુપમાં ફોરવર્ડ કરનાર સામે એટ્રોસિટી એક્ટ તથા બીજા અન્ય કાયદાઓ મુજબની કાર્યાવાહી કરાવા મારી માગણી છે.