(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૧૦
મહેસાણાના એક ડૉકટરે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી લેબોરેટરીને બંધ કરવાના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત રાજ્યના પોલીસ વડાએ કરેલ આદેશ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સામે ગુજરાત સ્ટેટ પોલીસ કોમ્પીટન્ટ ઓથોરીટી, ગાંધીનગરને ફરિયાદ કરવાના પગલે ચકચાર મચી જવા પામી છે.
દર્દીના લોહી સહિતના ટેસ્ટ એમ.ડી. પેથોલોજીસ્ટ સિવાય ઈએમએલટી, ડીએમએલટી લેબોરેટરીવાળા કરી શકે પરંતુ રિપોર્ટ કે દવા બાબતે ભલામણ કરી શકે નહીં તેવા હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા અને તેના પગલે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ અને ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આદેશ કરવા છતાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં એમ.ડી. પેથોલોજી ડૉકટર સિવાયની ગેરકાયદેસર ચાલતી લેબોરેટરી બંધ કરાવવા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ કોઈ પગલાં નહીં ભરતાં ગુજરાત રાજ્યના એમ.ડી. પેથોલોજીસ્ટ એસોસીએશનના સભ્ય અને મહેસાણાના ડૉ. મહેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતે સ્ટેટ પોલીસ કોમ્પીટન્ટ ઓથોરીટી સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. એમ.ડી. પોથોલોજીસ્ટ એસોસીએશન દ્વારા આ અંગેની ૧૯૯૧થી લડત ચલાવી સર્વોચ્ચ અદાલતના આ અંગે કરાયેલા આદેશનો અમલ કરાવવા પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સામે આ પ્રથમ ફરિયાદ છે અને આગામી સમયમાં ગુજરાત રાજ્યના અન્ય જિલ્લામાં કાયદાના અમલ માટે જે તે જવાબદાર અધિકારી સામે ફરિયાદ કરાશે તેમ ડૉ. મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
લોકોને પરેશાન કરવાનો એક નુસખો છે : જિલ્લા પોલીસ વડા
આ બાબતે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડિયાને સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે આવેલી અરજીની તપાસ કર્યા પછી લોકોને પરેશાન કરવાનો એક માત્ર નુસખો છે. આ તો માત્ર મેડિકલ પ્રોફેશન પાછળ પડી જવા જેવી વાત છે એટલે મે ઉલ્ટાનું સામે કોઈ પ્રકારની અરજી આવે તો મેડિકલ ઓથોરીટી સિવિલ સર્જન કે અન્ય સમકક્ષ અધિકારી પાસે ખરાઈ કર્યા પછી મારી પરવાનગી લીધા વગર કોઈ ડૉકટર કે લેબોરેટરીનું કામ કરતા લોકોને અટકાવવા નહીં તેમ જણાવેલ છે. લોકો ખોટી અરજીને કારણે પરેશાન ન થાય અને ડૉકટર જેવી કક્ષાના વ્યક્તિને પોલીસ દ્વારા ખોટી પજવણી ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તમામ લેબોરેટરીની ચકાસણી થઈ છે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.