જૂનાગઢ, તા.૧૦
રાજકોટના શાપર-વેરાવળના નાફેટનાં ગોડાઉનોમાં ટેકાના ભાવે ખરીદેલ રૂપિયા ત્રણ કરોડ બાણુ લાખની મગફળી બળીને ખાક થઈ ગયેલ છે. જો રાજ્યની ભાજપ સરકાર આ મામલામાં જરા પણ દૂધે ધોયેલ હોય તો સામે ચાલીને આ ઘટના સહિત અત્યાર સુધીમાં તમામ ગોડાઉનોમાં આગ લાગવાની ઘટના ઘટી છે. તે તમામની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા કરાવે અથવા સી.બી.આઈ.ને સોંપે એમ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય વિસાવદર હર્ષદભાઈ રિબડિયાએ જણાવ્યું છે.
રાજ્યમાં કોઈ ખેડૂતનાં કે વેપારીની મગફળીનાં ગોડાઉનો તો નથી સળગતા આ વેરહાઉસના જ ગોડાઉનો કેમ સળગે છે ? છાશવારે કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલ મગફળીના ગોડાઉનો સળગતા હોવા છતાં પણ રાજ્યની ભાજપ સરકાર કેમ સ્ટ્રડક્ટ નથી ? આવા ૪ ગોડાઉનો સળગવાનાં, ૧ બારદાનનું ગોડાઉન સળગવાનું અને પ-૭ મગફળી ભરેલ ગાડીઓ સળગવી, ગોંડલથી મગફળીની બોરીઓમાં માટી અને કાંકરા ભરેલી ગાડીઓ પકડાઈ છતાં પણ આજદિન સુધીમાં એકપણ સાચા તહોમતદારની ધરપકડ આ રાજ્યની ભાજપ સરકારની પોલીસે કેમ કરેલ નથી ? આવી તમામ ઘટનાઓ માનવસર્જીત હોવા છતાંય રાજ્યની પોલીસ કે તપાસ એજન્સીઓ સાચા તહોમતદારો સુધી કેમ નથી પહોંચી ? છાશવારે બનતી આવી ઘટનાઓ પાછળ કોણ છે જવાબદાર મગરમચ્છ ? એવો હર્ષદભાઈ રિબડિયાએ સવાલ કર્યો છે.
રાજ્યમાં ધરતીપુત્રો આર્થિક રીતે દિવસેને દિવસે અતિપાયમાલ થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકારે આવા ખેડૂતોને ધિરાણ નવા-જૂની કરવામાં વ્યાજમાં પણ માફી નથી આપતી ત્યારે આવા જગતનાં તાતનો હક્કનો પૈસો આવા કૌભાંડિયાઓ કૌભાંડ કરીને કરોડાનાં નાણાં આગમાં ખાક કરી નાખે છે ત્યારે સરકાર આવા કૌભાંડોમાં જવાબદારો સુધી પહોંચવામાં નિષ્ફળ ગયેલ છે.
જગતના તાતને આર્થિક રીતે મદદ કરવા તેમની અનેક મેટ્રીક ટન મગનફળી ટેકાના ભાવે ખરીદવા સરકાર અબજો રૂપિયા ફાળવી રહી છે. સરકાર જે નાણાં ફાળવે છે તેમાંથી ૬૦ % નાણાં ખરેખર સરકારની તિજોરીમાં પાછા જમા થવા જોઈએ તેના બદલે જે હેતુ માટે કેન્દ્રમાંથી નાણાં ફાળવવામાં આવે છે. તે નાણાંનો લાભ નથી તો ખેડૂતને મળતો નથી તો ફરીવાર સરકારને મળતો. તમામ નાણાથી ખરીદેલી મગફળી આ આગમાં બળીને ખાક થઈ ગયેલ છે. તેવું બતાવી દેવામાં આવે છે. તો આ આગમાં બળેલ મગફળી ખરેખર મગફળી જ છે કે માટી ? જો મગફળી જ હોય તો કૌભાંડીઓએ સળગાવવાથી ફાયદો શું ? એટલે સરકારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને દેશની જનતાનું તેમજ સરકારની તિજોરીનું રક્ષણ કરવું તે તેની જવાબદારી છે. રાજ્ય સરકાર નૈતિકતા બતાવીને ગુજરાત હાઈકોર્ટના સીટીંગ જજો દ્વારા અથવા સીબીઆઈ દ્વારા નિષ્પક્ષ રીતે તપાસ કરાવે તેવી માગણી કરતું વિસાવદરના ધરતીપુત્ર અને ધારાસભ્ય રાજ્યપાલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર આપ્યું છે.