(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
હિંદુ ધાર્મિક વિદ્વાન સ્વામી અગ્નિવેશે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત ભરમાં રાજકીય લાભ લેવા માટે કાશ્મીરને વેચી રહ્યા છે. નવી દિલ્હી શા માટે જમ્મુ-કાશ્મીરના સમાધાન માટે તમામ પક્ષોનો અભિપ્રાય લેવા માટે બંધનકર્તા નથી થતી તેવા સવાલના જવાબમાં સ્વામી અગ્નિવેશે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને તેમના પક્ષ ભાજપ માટે કાશ્મીર હાથવગું સાધન છે. દેશના વિવિધ રાજ્યોમાંથી મતો મેળવવા માટે તેઓ કાશ્મીરનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ જાણે છે કે, કાશ્મીર અને પાકિસ્તાનને બહાને તેમને સમગ્ર દેશમાંથી સરળતાથી મતો મળી જશે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અને કેન્દ્રની સત્તાધારી સરકાર ક્યારેય દ્વિપક્ષીય અથવા તમામ પક્ષોને લઇને વાતચીત માટે તૈયાર નહીં થાય અને હંમેશા કાશ્મીરને સળગતું રાખવા માગે છે. પાકિસ્તાન સેનાના પ્રમુખે વાતચીતની પહેલ કરી છે તે આવકાર્ય છે પરંતુ ભારતીય અધિકારીઓએ તેનો ઠંડો જવાબ આપ્યો છે. એક વખત ભારત તેની સાથે વાત શરૂ કરી દે તો તે પાકિસ્તાન પર હુમલા કરી શકશે નહીં અને કાશ્મીરના નામે મત માગીને લોકોને મૂર્ખ બનાવી શકશે નહીં. ઉપરાંત તે દેશની સૈન્ય સેવાઓને પણ વેચી શકશે નહીં. કાશ્મીરમાં નાગરિકોની હત્યા અંગે ગુસ્સો ઠાલવતા તેમણે કહ્યું કે, જો મહેબૂબા એવું માનતા હોય કે ભાજપ તેમના પર દબાણ કરી રહ્યું છે અને કાશ્મીર મામલે તે મંત્રણાના પક્ષમાં નથી તો તેમણે રાજીનામું આપી દેવું જોઇએ. મહેબૂબા લોકોને અંધારામાં રાખી શકે નહીં. જો તેઓ લોકો સમક્ષ ઇમાનદાર હોય અને તેમનું દર્દ સમજી શકતા હોય તો આવા સમયે તેમણે તેમને ટેકો આપવો જોઇએ અને તેમની સાથે ઉભા રહેવું જોઇએ. ભાજપ જાણે છે કે, મુસ્લિમ વિરોધી અને કાશ્મીર વિરોધી એજન્ડા તેમને બંધ બેસી રહ્યું છે. નાગરિકોના હત્યામાં સંડોવાયેલાઓને સખત સજાની માગ કરતા અગ્નિવેશે કહ્યું કે, એ કમનસીબ બાબત છે કે તપાસ ફક્ત લોકોને શાંત કરવા માટે થઇ રહી છે. નાગરિકોની હત્યામાં સામેલ સૈનિકો સામે કાર્યવાહી અંગે નિર્મલા સીતારમણે મહેબૂબાના નિવેદનને સમર્થન આપ્યું તે સારી બાબત છે પરંતુ તે બાદ કાંઇ થયું નથી અન બધું ફક્ત શાબ્દિક રીતે જ થઇ રહ્યું છે. તેમણે જણાવ્યું કે નાગરિકોની હત્યા ચલાવી લેવાય નહીં.યોગ્ય મંત્રણાથી જ કાશ્મીરની સમસ્યા ઉકેલાઇ શકે છે.
(સૌ. કાશ્મીર વોચ)