(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
આર્મી ચીફ જનરલ બિપિન રાવતે આઝાદી માટે શસ્ત્ર ઉઠાવનારા કાશ્મીરી યુવાઓને એવી ચેતવણી આપી છે કે તેઓએ આ વાત સમજી લેવી જોઇએ કે તેમને આઝાદી મળવાની નથી અને તેઓ સેના સામે લડી શકતા નથી. એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં જનરલ રાવતે આ વાત કહી છે. કાશ્મીરી યુવાઓ દ્વારા બંદૂક ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે હું કાશ્મીરી યુવાઓને બતાવવા માગું છું કે આઝાદી મળવાનું શક્ય નથી. આ ક્યારેય થઇ શકશે નહીં. તેઓ બેકારની વાતોમાં ન આવે. તમે શસ્ત્રો શા માટે ઉઠાવી રહ્યા છો, અમે આઝાદી માગનારાઓ સામે હંમેશ લડીશું. આઝાદી મળનારી નથી. ક્યારેય નહીં.
જનરલ રાવતે જણાવ્યું કે તેઓ હત્યાથી પરેશાન થાય છે. અમને આમાં મજા આવતી નથી પરંતુ તમે અમારી સામે લડશો તો અમે પોતાની સંપૂર્ણ તાકાત સાથે લડીશું. કાશ્મીરીઓએ આ વાત સમજવી પડશે કે સલામતી દળો આટલા ક્રૂર નથી – તમે સીરિયા અને પાકિસ્તાનને જુઓ ત્યાં આવી પરિસ્થિતિમાં ટેંકો અને હવાઇ તાકાતનો ઉપયોગ કરવામાં આવે છે. બધા પ્રકારની ઉશ્કેરણી કરાતી હોવાછતાં આપણા સૈનિકો નાગરિકોને કોઇ નુકસાન ન થાય, તેની સંપૂર્ણ કોશિશ કરે છે. તેમણે એવું પણ કહ્યું કે યુવાઓ રોષમાં છે પરંતુ સુરક્ષા દળો પર હુમલા કરવા, અમારા પર પથ્થરમારો કરવો કોઇ ઉપાય નથી.
તેમણે કહ્યું કે રાજ્યમાં લગભગ દરરોજ ત્રાસવાદઓ અને સલામતી દળો વચ્ચે એન્કાઉન્ટર થાય છે. ક્યારેક પથ્થરમારો પણ થાય છે, તેના કારણે નાગરિકો અને દળોની પણ ખુવારી થાય છે. જનરલ રાવતે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે પથ્થરબાજોને કોઇ ઉશ્કેરી રહ્યું છે. મને સમજાતું નથી કે સેનાની કાર્યવાહી ખોરવી નાખવા માટે ભારે સંખ્યામાં લોકો શા માટે ઉમટી પડે છે. જનરલ રાવતે કહ્યું કે સેના દ્વારા કેટલા આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, તેઓ એ આંકડાઓ તરફ ધ્યાન આપતા નથી. આવી સંખ્યાનો અમારા માટે કોઇ અર્થ નથી. કારણ કે હું જાણું છું કે આ ચક્ર ચાલુ રહેશે. નવી ભરતીઓ થઇ રહી છે. હું માત્ર એ વાત પર ભાર આપું છું કે આ બધું વ્યર્થ છે, તેનાથી કશું જ હાંસલ થવાનું નથી. તમે સેના સામે લડી શકતા નથી.
સંઘર્ષવિરામથી આર્મીના પ્રયાસો વ્યર્થ થઇ જશે : ભાજપ
જમ્મુ અને કાશ્મીરમાં રમઝાન દરમિયાન એકતરફી સંઘર્ષ વિરામની હાકલને સમર્થન આપવાનો શાસક પીડીપી ગઠબંધનના ભાગીદાર ભાજપે ગુરુવારે ઇનકાર કર્યો છે. રાજ્યનાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં બધા પક્ષો આ પગલાં માટે સંમત્ત છે. જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રવક્તા સુનિલ સેઠીએ જણાવ્યું કે આવો સંઘર્ષ વિરામ રાષ્ટ્ર હિતની વિરુદ્ધમાં હશે અને રાજ્યમાં આર્મીના પ્રયાસો વ્યર્થ થઇ જશે. અમે સંપૂર્ણપણે સહમત નથી અને આ બાબત માટે મુખ્યપ્રધાન અમારા પર દબાણ કરી શકે નહીં.