(એજન્સી) અલીગઢ, તા.૧૦
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ૧પ,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકોએ એએમયુ સર્કલ પાસે જમણેરી પાંખ અને ઘાતકી પોલીસ કાર્યવાહીની વિરૂદ્ધ પોતાની એકતા દર્શાવવા માટે માનવ સાંકળ બનાવી હતી.
માનવ સાંકળ રચીને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની મુખ્ય ત્રણ માંગો છે. પહેલી એ કે ર મેના રોજ જે તોફાની તત્ત્વો બળજબરીપૂર્વક યુનિવર્સિટીમાં ધસી આવ્યા હતા તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં અને એએમયુના અજાણ્યા વિદ્યાર્થીઓની વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવામાં આવે. આ ઘટના અંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સંગઠન દ્વારા પણ ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી છે. એએમયુએસયુના સચિવ ફહાદે જણાવ્યું કે, જ્યાં સુધી અમને એ બાબતની ખાતરી નહીં મળે કે આ ઘટના અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં સુધી અમે અમારો આ વિરોધ જારી રાખીશું. બુધવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના બાબ-એ-સૈયદ ગેટ પાસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે, તેઓને આશા છે કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તેમની માગણીઓ પૂરી કરવામાં આવશે. બુધવારે એએમયુ વિદ્યાર્થી સંઘના પ્રતિનિધિ મંડળે એડિશ્નલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અજય આનંદ, ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, જિલ્લાધિકારી, વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિતના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કર્યા બાદ આ નિવેદન સામે આવ્યું હતું.
5