(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના આદેશને રદ કર્યો. હાઈકોર્ટે પ.બંગાળ રાજ્યના ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે જે ઉમેદવારોએ પંચાયતની ચૂંટણીઓ માટે નિર્ધારિત સમયમાં ઈ-મેઈલથી ઉમેદવારી નોંધાવી હોય એમની ઉમેદવારીને માન્ય રાખવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ચૂંટણીઓ ૧૪મીએ યોજાવાની છે, એમણે ચૂંટણીપંચને એ પણ આદેશ આપ્યો કે ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી યોજાવી જોઈએ. વધુમાં જણાવ્યું કે, ૩જી જુલાઈ પહેલા પરિણામો જાહેર કરવા બાબતનું કોઈ પણ જાહેરનામું બહાર પાડવામાં નહીં આવે.
રાજ્ય ચૂંટણીપંચે હાઈકોર્ટ દ્વારા ૮મી મેએ અપાયેલ આદેશ સામે મનાઈ હુકમ આપવા અરજી કરી હતી. એમણે કહ્યું હતું કે એનાથી ભરપાઈ નહીં થઈ શકે એવું નુકસાન થશે.
રાજ્ય ચૂંટણીપંચના વલણ બાબત સીપીઆઈએમ અને ભાજપ પણ એ જ અપેક્ષા રાખી રહ્યા હતા જેથી એમણે પણ સુપ્રીમ કોર્ટમાં એકતરફી ચુકાદો જાહેર કરવા સામે કેવિએટ દાખલ કરી હતી. ભાજપ તરફે હાજર રહેનાર વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને વિનંતી કરી કે અમને પંચ દ્વારા દાખલ કરેલ અરજીનો નકલ આપવામાં આવે.
સીપીઆઈ(એમ)એ દાવો કર્યો કે એમના ઘણા બધા ઉમેદવારોને ટીએમસીના કાર્યકર્તાઓ ફોર્મ ભરવા માટે રોકી રહ્યા હતા.
હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે ર૩મી એપ્રિલ બપોરે ૩.૦૦ પહેલા ઈ-મેઈલ દ્વારા પણ જો ઉમેદવારીપત્ર દાખલ થયેલ હોય તો એને માન્ય રાખવામાં આવે.