(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા. ૧૦
હાંસોટ નજીક આવેલા આલીયાબેટમાં સરકાર માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કર્યો છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે બુધવારે આલીયાબેટની મુલાકાત લઇ સ્થાનિક રહીશોની સમસ્યા વિશે જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આલીયાબેટના રહીશો પાસે ૧૯૧૭ની ચારણની પહોંચ છે. તેવો સવાસો વર્ષથી અહીં રહે છે છતાં તેમને પાયાની સુવિધા મળી નથી જેનું કારણ વહીવટીતંત્રની અમાનવીય વ્યવહાર છે. સરકારની ધણી બધી યોજના છે. છતાં આજેપણ એકપણ યોજનાનો લાભ અહીંના ૪૫૦થી વધુ રહીશોને મળ્યો નથી. અહીં જો મકાન બાંધો કે શાળા બાંધો ત્યો ફોરેસ્ટ એક્ટ નડે છે. એકટના કારણે પાણી કે વીજ લાઇન નાંખી શકાતી નથી. ફોરેસ્ટ એકટનું કારણ આગળ ધરી સરકાર અને તંત્ર આલીયાબેટ પર પાયાની સુવિધા પણ આજદિન સુધી આપી શકયું નથી. જ્યારે આજ વિસ્તારમાં ઝીંગા તળાવ ઉભા થાય તો કોઈ ફોરેસ્ટ એક્ટ નડતો નથી. ૨૦૦૬માં રાઈટ ટુ ફોરેસ્ટ એક્ટ લાગુ પડી છે જે આધારે અહીંના રહીશોને તમામ સુવિધા અનેે અહીંના જંગલ જમીન પર પહેલો હક્ક તેમનો છે. તેમને તમામ સુવિધા મળવી જ જોઈએ જે હજી પણ મળી નથી અહીંના લોકો પ્રત્યેતંત્રનો અમાનીવિય વ્યવહાર જવાબદાર છે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિત પરિમલસિંહ રણા, મગન પટેલ, ભુપેન્દર જાની, નવલસિંહ જાડેજા સહિતના આગેવાનો જોડાયા હતાં. રાજયસભાના સાંસદ અહમદ પટેલ પણ તેમને માળખાકીય સુવિધાઓ મળે તે માટે કાર્યરત હોવાની ખાતરી મોઢવાડીયાએ સ્થાનિક રહીશોને આપી હતી.