અમદાવાદ, તા ૧૦
સેટેલાઈ વિસ્તારમાં રહેતા યુવકને નોકરીની તેમજ અલગ અલગ પ્રકારની લાલચો આપી અને ચાર જેટલી વ્યક્તિઓએ કુલ રૂપિયા ૬૮ લાખ પડાવી લઈ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સેટેલાઈટમાં વિદ્યાનગર ફ્લેટમાં રહેતા વલ્લભભાઈ ધોંડ (ઉ.વ.૪૦)ને ૨૦૧૩માં નોકરીની જરૂર હોઈ ઓનલાઈન આપકા રોજગાર સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ નામની વેબસાઈટમાં તેમને બાયોડેટા આપ્યો હતો. જેના દ્વારા કંપનીમાંથી ફોન આવ્યો હતો અને ૩૦ હજાર રૂપિયા ભરવા માટે જણાવ્યું હતું. વલ્લભભાઈએ બેન્ક એકાઉન્ટમાં ૩૦ હજાર રૂપિયા ભર્યા હતા પરંતુ નોકરી મળી ન હતી. ૨૦૧૪માં શોપરિલે કો. ઉપરથી રમાકાંત નામની વ્યક્તિએ ફોન કરી અને રોજગાર ડોટ કોમમાં ફસાયેલા પૈસાનું પેમેન્ટ કંપની આપશે તેમ કહી અને અલગ અલગ સમયે કુલ ૨૦ લાખ રૂપિયા બેન્કમાં ભરાવ્યા હતા. રમાકાન્ત વર્મા નામની વ્યક્તિનો ફોન આવતો બંધ થઈ જતાં છેતરપિંડી થઈ હોવાની તેઓને જાણ થઈ હતી. ઓક્ટોબર ૨૦૧૪માં યશ કપૂર નામની વ્યક્તિએ ફોન કરી રમાકાંત વર્મા ગોળગોળ ફેરવે છે. તેમને જે રૂપિયા તમે આપ્યા છે તે પરત અપાવી દઈશ તેમ કહી તેમને ૧૦ લાખ રૂપિયા ભરાવ્યા હતા. ૨૦૧૫માં રાજીવ મિત્તલ નામની વ્યક્તિએ ફોન કરી અને તમારા ભરેલા રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં ગયા છે અને તે રૂપિયા અપાવવાની જવાબદારી આઈઆરડીની છે તેમ કહી અને અલગ સમયે ૪ લાખ બેન્કમાં ભરાવ્યા હતા. વલ્લભભાઈને ૨૦૧૩થી ૨૦૧૫ સુધીમાં અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિએ ફોન કરી અને કુલ રૂપિયા ૬૮ લાખ બેન્કમાં ભરાવી દઈ છેતરપિંડી આચરી હતી. કોઈ એક જ ગેંગ દ્વારા આ ગુનો આચરવામાં આવ્યો હોઈ. વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.