અમદાવાદ, તા.૧૦
ગુજરાતની ભાજપ સરકાર જીએલડીસી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારની પ્રતિતિ સમગ્ર ગુજરાતને કરાવી રાજ્યની તિજોરી ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે. જીએલડીસીના ભ્રષ્ટાચારનો કિસ્સો કે મગફળી સળગાવવાના કિસ્સામાં સરકારી મંત્રાલય સીધું જ સંકળાયેલ હોવા છતાં કોઈ પગલાં કેમ ભરવામાં આવતા નથી ? તેવો વેધક પ્રશ્ન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે કરી જણાવ્યું છે કે ગુજરાત સળગાવનારા તેમના ભ્રષ્ટાચારના પાપ ઢાંકવા ખેડૂતોની મગફળી સળગાવી રહ્યા છે. ભ્રષ્ટાચારમાં જીએલડીસીના મેનેજિંગ ડાયરેક્ટરનું નામ એ પ્રમુખ કડી હતી જેમને નીચલી કોર્ટે આપેલા ૧૪ દિવસના રિમાન્ડના નિર્ણયને ઉપલી કોર્ટે રદ કર્યો. આ વાસ્તવિકતા પણ ગુજરાતની જનતા સામે છે, ભાજપા જવાબ આપે કે ૩૦૦૦ કરોડ રૂપિયાના જીએલડીસીના વહીવટની ફલુશ્રુતિ શું ? આ ભ્રષ્ટાચારનું પાપ ભૂલાવવા, ઢાંકવા કે જનતાના માનસમાંથી દૂર કરવા, સુજલામ સુફલામ યોજનાના નામે જળસંચય અભિયાન જેવું રૂપકડું નામ આપી, તાત્કાલિક નવા સ્વાંગમાં ભાજપા પોતાની પરંપરાગત રીતે શરમ વગર જીએલડીસીના ભ્રષ્ટાચારના ડાઘ ધોવામાં કામે લાગી છે. જળસંચય કરવાની માનસિકતા ધરાવનારાઓ પોતાની સમજણ અહીંયા સ્પષ્ટ કરે કે ‘સી’ પ્લેન ઉડાવવાનું કૃત્યને જળસંચય નહીં જળક્રીડા કહેવાય અને તમે આ જળક્રીડા ખેતી-ખેડૂતોના ભોગે કરી છે જે ગુજરાતનો ખેડૂત તમને ક્યારેય માફ નહીં કરે. પ્રદેશ પ્રવક્તા મનહર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ખેડૂતો પાસે મુખ્યત્વે ખરીફ પાક એક માત્ર વિકલ્પ છે ત્યારે ખેતી પાકના સારા પરિણામ લેવા માટે તેના માટે જળસંચય અને જમીન સંરક્ષણ એ ખૂબ અગત્યની કામગીરી છે અને આવા સમયે ભાજપા સરકારના આવા ભ્રષ્ટાચાર અને ંસંવેદનહીન વહીવટ થકી રાજ્યના ખેડૂતોનો પાણીનો પ્રશ્ન, પાક વીમાનો પ્રશ્ન, પાકના પોષણ ભાવોનો પ્રશ્ન અને ખેતી પાક માટે પાવરનો પ્રશ્ન અભેરાઈ ઉપર ચડાવી દેવાનું ભાજપાનું કહેવાતું સૂચારું આયોજન છે. જેનાથી ભાજપા ગુજરાતની જનતાને પોતાના ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારના પ્રલયમાં રાખવા સફળ થઈ રહી છે.