અમદાવાદ, તા.૧૧
વૈશાખી વાયરા વાતા જ કાળ-ઝાળ ગરમી પોતાનું અગનમય સ્વરૂપ બતાવી રહી છે ત્યારે જાણે કે, આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ રાજ્યમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીની સીમાને વટાવી ગયો છે. તાપમાનનો પારો વધતાં લોકો અંગ દઝાડતી કાતિલ ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે આજે અમદાવાદ સહિત બીજા ૮ જેટલા શહેરોમાં ૪ર ડિગ્રીથી પણ વધુ ગરમી નોંધાઈ હતી. ૪૪.૩ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યમાં સૌથી વધુ ગરમી ‘હોટેસ્ટ સિટી’ બની ગયું હતું જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો ૪૪ ડિગ્રી નોંધાયો હતો. અમદાવાદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે હવે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર થશે કે શું ?? તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. શહેરમાં બપોરના સુમારે ગરમીના લીધે રોડ-રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. લૂ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. અંગ દઝાડતી કાળઝાળ ગરમીથી રક્ષણ મેળવવા લોકો નીતનવાં નુસ્ખા અપનાવી રહ્યા છે અને કામ સિવાય ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચકાયો છે. ત્યારે સુરેન્દ્રનગર ૪૪.૩ ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યું હતું, અમદાવાદ, મોડાસા અને દાહોદમાં આજે ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઈડરમાં ૪૩.૬ ડિગ્રી, ગાંધીનગર ૪૩.ર ડિગ્રી, કંડલામાં ૪૩.ર ડિગ્રી તથા ભાવનગરમાં ૪૩.૧ ડિગ્રી, ડીસા ૪ર.૯ ડિગ્રી, રાજકોટ ૪ર.૮ ડિગ્રી, વડોદરા ૪૧.૪ અને ભૂજમાં ૪૧.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આમ રાજ્યભરમાં દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ રહ્યું હતું અને હવે રાજ્યના શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરાય તેવું તાપમાન વધી રહ્યું છે અને અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. આ કાળઝાળ ગરમીથી રક્ષણ મેળવવા નિષ્ણાતો પ્રવાહીનું પ્રમાણ વધુ લેવા અને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે.