(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૧
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે. રાજ્યના બે મુખ્ય હરીફ પક્ષો કોંગ્રેસ અને ભાજપ બંને જીતના દાવાઓ કરી રહ્યા છે. ચૂંટણી વિશે કર્ણાટકના યુવાઓ સાથે વાતચીત કરાઈ હતી. કર્ણાટકના મોટા શહેરોમાં ભાજપ પ્રત્યે સંદેહ વર્તાઈ રહ્યો છે. ર૦૧૪માં યુવાઓ મોદીથી અંજાઈ ગયા હતા. હાલમાં પણ એ મોદીને પસંદ કરે છે પણ ભાજપને નહીં. મોદી માટેનો પ્રેમ એમનામાં જળવાઈ રહેલ છે. એ મોદીને એક સશક્ત નેતા તરીકે જુએ છે. જેમાં વિશ્વાસ પેદા કરવાની આવડત છે. એમના મતે મોદીએ પોતાની મુત્સદ્દીભરી નેતાગીરીથી બધાને અંકુશમાં રાખ્યો છે પણ સમગ્ર ભાજપ પક્ષ એમના જેવો છે એ સમજવું ભૂલ ભરેલ છે.
યુવાઓને ભય છે કે જો ભાજપ રાજ્યમાં સત્તામાં આવશે તો એના લીધે કોમવાદી રાજકારણમાં વધારો થશે. નૈતિકતાથી વધુ વાતો કરાશે. આ નહીં કરો તે નહીં કરો. બધી વાતોમાં ચંચુપાતો કરશે. સામાજિક ન્યાય પણ ભય હેઠળ આવી જશે. યુવાઓ ભાજપને દંભી અને રૂઢિવાદી કહી રહ્યા છે, જે આધુનિક જીવનશૈલી સાથે બંધબેસતો નથી.
એની સામે એ સિદ્ધારમૈયાની નેતાગીરીથી સંતુષ્ટ જણાયા હતા. એમની સામે ઓછી ફરિયાદો છે. મહિલાઓ વધુ સુરક્ષિત અનુભવ કરે છે. ઘણા યુવાઓનું માનવું છે કે કેન્દ્રમાં ભલે મોદી સરકાર રહે પણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર રહેવી જોઈએ.