અંજાર,તા.૧૧
અંજાર તાલુકાના વરસામેડી ગામના વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડથી દારૂના બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
આજરોજ વરસામેડી ગામના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનાં અડ્ડા ચલાવતી વિમલા દેવીની દાદાગીરી ખૂબ જ હદ પાર કરી જતા વરસામેડી ગામના ગ્રામજનો દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી અને આ દેશી દારૂની બુટલેગર વિમલા દેવીને ગ્રામજનો દ્વારા સખ્ત શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે આજ પછી આ વરસામેડી વિસ્તારમાં કયાંય પણ દેશી કે અંગ્રેજી દારૂ વેચતા જણાશે તો ગમે ત્યારે ગ્રામજનો દ્વારા જનતા રેડ પાડી પોલીસ હવાલે કરવાની ફરજ પડાશે. આજરોજ અંજાર પોલીસ હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા અને હરેન્દ્રસિંહ જાડેજા તથા લેડીસ પોલીસ સાથે લઈ ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ ગઈ છે એટલું જ નહીં આ માફિયાગીરી કરતી વિમલા દેવી ખૂબ જ મોટું નેટવર્ક ધરાવે છે અને જો કોઈ આ વિમલા દેવીને દેશી દારૂ જાહેરમાં વેચવાની ના પાડવા જાય તો વિમલા દેવી ધાકધમકીઓ આપી જણાવે છે કે હું તો પોલીસ ખાતામાં અઢળક રૂપિયાના હપ્તાઓ આપુ છું માટે તમે મારૂ કાંઈ બગાડી શકવાના નથી અને તેમ છતાં જો તમો ગ્રામજનો દ્વારા બીજી વખત મારા ઉપર આવી જનતા રેડ નખાવશો તો હું છેડતી કે બળાત્કારની ખોટી ફરિયાદ કરાવીશ આવી ખોટી ધમકીઓ આપી વારંવાર હેરાન પરેશાન કરી રહી છે. જેને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવે એવી માગણી વરસામેડી ગામનાં ગ્રામજનોની છે. આ સમગ્ર જનતા રેડમાં ગામના જાગૃત ગ્રામજનો આગેવાનોમાં ખોડા બધા રબારી, રબારી સમાજના અગ્રણી જગાભાઈ રબારી, રમેશભાઈ રબારી, પ્રભુભાઈ રબારી, સાકરા મેલા રબારી, કરમશીભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા એમ અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કરશનભાઈ રબારીએ એક યાદીમાં જણાવ્યું છે.