(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૧
ઉનાળાની ઋતુમાં કેરીની મૌસમ પૂર બહારમાં ખીલી છે. મોટાભાગનો વર્ગ કેરી આરોગવા પાછળ આંધળી દોટ મુકે તે સ્વાભાવિક છે. પરંતુ આ કેરી ઘીમા ઝેર સમાન હોવા છતાં લોકો મનમૂકીને આરોગે છે. વેપારીઓ ઇથિલીન રાઇપરનર નામનાં કેમીકલનો ઉપયોગ કરી કેરીને ૨૪ કલાકમાં પકવવા અને ઉપરથી પીળાશ પડતો રંગ પકડે એટલે દેખાવમાં સારી લાગે તે માટે કરે છે. આજે મનપા આરોગ્ય વિભાગની ટીમે શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી ફળોની ૧૬ દુકાનોએ દરોડા પાડી કેમીકલનો ૧૦૦ કિલો જથ્થો ઝડપી પાડયો હતો. જે કેરી પકવવા મુકવામાં આવનાર હતો.
આરોગ્ય વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર આરોગ્ય અધિકારી મુકેશ વૈદ્યની સૂચનાથી કેરીની શરૂ થયેલી સીઝનને કારણે તપાસ હાથ ધરવા ઇન્સ્પેકટરોની ટીમને સૂચનાઓ આપવામાં આવી હતી. આજે શહેરના મલ્હાર પોઇન્ટ, જૂના પાદરા રોડ, વાસણા રોડ, હરિનગર રોડ, નિઝામપુરા, છાણી રોડ વગેરે ૧૬ દુકાનો ઉપર તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ૧૦૦ કિલો ઇથિનીલ રાઇપરનો જથ્થો ટેમ્પોમાંથી મળી આવતા જપ્ત કરાયો હતો. કેરી પકવવા મુકેલી ૨૫ પડીકી સહિત કેરીના જથ્થાનો નાશ કરાયો હતો.
પરવાના વગર વેચાણ કરતાં બે વેપારીઓને નોટીસો ફટકારવામાં આવી છે. તેમજ ચાર વેપારીઓને શિડયુઅલ ચાર મુજબ નોટીસો આપી છે.