વાગરા, તા.૧૧
વાગરાના યુવક કરાટે અને બોક્સિંગમાં સતત પરિશ્રમ કરી સિદ્ધિના શિખરો સર કરી રહ્યો છે. હાલમાં દુબઇ ખાતે યોજાનાર વર્લ્ડ કરાટે ચેમ્પિનશીપમાં ભાગ લેવા ગયેલ ઇમરાન ભટ્ટીને શુભેચ્છા પાઠવવા અનેક લોકો દોડી ગયા હતા.
વાગરા તાલુકાના વસ્તીખંડાલી ગામનો યુવક બોક્સિંગ તેમજ કરાટેમાં ગજુ કાઢી રહ્યો છે. રાજ્ય તેમજ નેશનલ કક્ષાએ સતત ઝળકીને ગામ તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેની મેહનત અને લગ્નને જોતા તેના ગામના મિત્રોને આશા હતી કે તે એક દિવસ ઉચ્ચ સ્તરે પહોંચી સફળતાના શિખરો સર કરશે. જે હાલમાં પરિપૂર્ણ થતા દેખાઈ રહ્યો રહી દુબઇ ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે. જેમાં ભારતમાંથી ઇમરાનની પસંદગી કરાતા વસ્તીખંડાલી અને વાગરા ગામમાં ખુશીનું મોજું પ્રસરી જવા પામ્યુ હતુ. ઇમરાનને શુભેચ્છા પાઠવવા તેના ઘરે સગા વ્હાલા સહિતના લોકો દોડી ગયા હતા. ગતરોજ દુબઇ ખાતે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા મુંબઇ એરપોર્ટથી રવાના થયો હતો. ઇમરાન સાથે થયેલ વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે આપ સૌ મારા માટે દુવા કરશો જેથી હું સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ વિશ્વ ફલક પર લઈ જઈ શકુ. આ સાથે ચેમ્પિયનશિપ પોતાને નામ કરીને આવવાના નિર્ધાર સાથે દુબઇ જવા રવાના થયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે છ વાર રાજ્ય કક્ષાએ અને સતત ત્રણ વર્ષ રાષ્ટ્રીય લેવલે કરાટેમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવવા બદલ ભરૂચમાં રાજ્ય સ્થાપના દિવસે રાજ્યપાલના હસ્તે ઇમરાનનું બહુમાન કરવામાં આવ્યુ હતુ.