(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
દક્ષિણ દિલ્હીની સનલાઈટ કોલોની ખાતે ગુરૂવારે કાશ્મીરના પાંચ લોકોના જૂથ સાથે ટોળા દ્વારા કથિત રીતે મારપીટ કરવામાં આવી હતી. ચાર મહિલા સહિત પીડિતને ૩૦-૪૦ લોકોના ટોળાએ કથિત રીતે ઘેરીને તેમની સાથે મારઝૂડ કરી હતી. પીડિતોમાંના એક પીડિતે જણાવ્યું કે, તેમની બહેનને ગાળો આપવામાં આવી અને તેને માર મારવામાં આવ્યો. તેમના ઘરે આવેલા મહેમાન પર પણ હુમલો કરવામાં આવ્યો. પીડિતે કહ્યું કે, આ પૂર્વનિયોજિત હુમલો હતો અને આરોપીઓ તેમની સાથે હોકીઓ લઈને આવ્યા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું કે, આ મામલે કેસ નોંધી લેવામાં આવ્યો છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિતે જણાવ્યું કે, ૩૦-૪૦ જણાના ટોળાએ તેમના પર હોકીઓ વડે પ્રહાર કર્યા હતા. જેમાં પીડિતનો ડાબો હાથ ભાંગી ગયો હતો. પીડિત મુજબ થોડાક સમય પહેલાં પણ તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ વિસ્તારમાં રહેલા તેમને જાનનું જોખમ હોવાનો ભય વ્યક્ત કર્યો હતો. કાશ્મીરી પીડિત મુજબ આ હુમલો પૂર્વઆયોજિત હતો અને ટોળાએ તેમના પર હોકીઓ સાથે મારઝૂડ કરી હતી.