(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૧
કન્નડ અખબારના પત્રકાર અને તંત્રી ગૌરી લંકેશની હત્યાની તપાસ કરી રહેલ કર્ણાટક પોલીસ દ્વારા નિમાયેલ એસઆઈટીએ હત્યાના સંદર્ભે એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોની માહિતી મુજબ આરોપીની સંડોવણી એમએમ કલબુર્ગી અને નરેન્દ્ર ડાભોલકરની હત્યામાં પણ હોવાની માનવામાં આવે છે. જે બંનેની હત્યા ક્રમશઃ ર૦૧પ અને ર૦૧૩માં કરાઈ હતી. અહેવાલમાં વધુ જણાવાયું છે કે ધરપકડ કરાયેલા આરોપી એક અન્ય રાજકારણી જે હૈદરાબાદ અને કર્ણાટક વિસ્તારથી સંકળાયેલ છે એમની પણ હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. જો કે પોલીસે રાજકારણીનું નામ સુરક્ષાના કારણે જાહેર કર્યું નથી પણ એમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જાણીતી પત્રકાર ગૌરી લંકેશની હત્યા એમના ઘરની બહાર પમી સપ્ટેમ્બર ર૦૧૭ના રોજ કરાઈ હતી. આ પહેલાં ૯મી માર્ચે એસઆટીએ ૩૭ વર્ષીય નવીનકુમારની ધરપકડ ગૌરીની હત્યા સંદર્ભે કરી હતી.