(એજન્સી) મુંબઈ, તા.૧૧
મહારાષ્ટ્રના વરિષ્ઠ પોલીસ અધિકારી હિમાંશુ રોયે શુક્રવારે તેમના ઘરમાં જ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. હિમાંશુ રોય ઘણી હાઈપ્રોફાઈલ તપાસોમાં પણ સામેલ હતા. તેઓ મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી સ્કવોડના પૂર્વ ચીફ અને એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકેનો કાર્યભાર પણ સંભાળી ચૂક્યા છે.
જાણકારી અનુસાર હિમાંશુ રોયે પોતાના સરકારી આવાસ પર શુક્રવારે બપોરે લગભગ ૧ઃ૪૦ વાગ્યે તેમણે પોતાને ગોળી મારી દીધી. તેઓ ૫૪ વર્ષના હતા. ઘાયલ હિમાંશુ રોયને લઈને પરિવાર તુરંત જ બોમ્બે હોસ્પિટલ પહોંચ્યો પરંતુ હોસ્પિટલ પહોંચતાં જ ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધા. જાણકારી અનુસાર, હિમાંશુ રોયે મોઢામાં રિવોલ્વર રાખી ગોળી મારી હતી. જેના કારણે તેમને બચાવવા ઘણા જ મુશ્કેલ થઇ ગયા હતા.
કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, તેઓ હિમાંશુ રોયના નિધનની ખબર સાંભળીને ચોંકી ગઈ અને ઘણી જ દુઃખી છે. તેમણે કહ્યું કે, હિમાંશુનું જવું દુર્ભાગ્યપૂર્ણ અને દેશ માટે મોટી ક્ષતિ છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન મુંબઈને જેવી સુરક્ષા પ્રદાન કરી તે માટે મુંબઈ હંમેશા તેમનું આભારી રહેશે. સાથે જ પ્રિયંકા ચતુર્વેદીએ રાજ્યની ભાજપ સરકાર પર હિમાંશુની સાથે સારો વ્યવહાર ન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, ગૃહ મંત્રાલયે તેમની અરજી ફગાવી દીધી હતી. આખરે પોતાની સર્વિસના છેલ્લા સમયમાં તેમની સાથે આ રીતનું ગેરવર્તન શા માટે કરવામાં આવ્યું ?
કોણ હતા હિમાંશુ રોય ?
૧૯૮૮ બેચના આઈપીએસ અધિકારી હિમાંશુ રોયનું નામ ૨૦૧૩માં સ્પોટ ફિક્સિંગ કેસમાં વિન્દુદરસિંઘની ધરપકડ, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઇકબાલ કાસકરના ડ્રાઈવર આરીફનું એન્કાઉન્ટર, પત્રકાર જે.ડે હત્યા પ્રકરણ, વિજય પલાંડે-લેલાખાન ડબલ મર્ડર કેસ જેવા મહત્ત્વના કેસ સાથે જોડાયેલા રહ્યા. અન્ડરવર્લ્ડ કવર કરનારા પત્રકાર જે ડે હત્યાની ગુથ્થી સુલઝાવવામાં હિમાંશુ રોયે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. જાણકારી અનુસાર, પૂર્વ ATS પ્રમુખ હિમાંશુ રોય કેન્સર પીડિત હતા. કહેવાઈ રહ્યું છે કે, એપ્રિલ ૨૦૧૬થી તેમણે મેડિકલ લીવ લઇ રાખી હતી. ATS પ્રમુખ રહેલા હિમાંશુ રોયે પહેલી વખત સાઈબર ક્રાઈમ સેલ સ્થાપિત કર્યું હતું.
રોયે શહેરના પૂર્વ પોલીસ કમિશનર અરૂપ પટનાયકને
કહ્યું હતું; હું પીડા અનુભવું છું અને તે અસહ્ય છે
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અરૂપ પટનાયકે હિમાંશુ રોય અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પટનાયકે કહ્યું કે, આ જે કંઈ પણ ઘટના બની છે, તેનાથી મને આઘાત લાગ્યો છે. આ જે કંઈ પણ બન્યું છે તે તદ્દન અનપેક્ષિત છે. તેઓએ મૃત્યુ પામેલા બહાદુર પોલીસ અધિકારી અંગે વધુમાં જણાવ્યું કે, તેઓ ખૂબ જ તેજસ્વી અને વ્યવહારૂં હતા તેઓ તંદુરસ્ત હતા. તેઓ ખૂબ જ પરિપક્વ હતા. તેમણે પત્રકાર જે.ડે.ની હત્યા અને આઈપીએલ કેસ તરફ ઈશારો કરતાં કહ્યું હતું. રોય છેલ્લા ૩ વર્ષથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા જ્યારે તેમના શરીર પર સોજા આવવા લાગ્યા ત્યારે ખૂબ મોડેથી તેમને આ રોગ હોવાનું નિદાન થયું. તેમ છતાંય તેમણે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓએ માત્ર પાછલા બે વર્ષમાં જ રજાઓ લીધી હતી. હું હંમેશા તેમના સંપર્કમાં હતો અને હકીકતમાં તો તેમણે ત્રણ મહિના પહેલાં જ કોઈક નિષ્ણાંતનો અભિપ્રાય મેળવવા માટે મને પૂછ્યું પણ હતું. મેં તેમને ડોક્ટરને મળવાનું કહ્યું અને ત્યારબાદ તેમણે જાણ્યું કે કેન્સરના જીવાણુઓ તેમના મગજમાં ફેલાઈ ગયા છે. છેલ્લે સર્જરીનો જ વિકલ્પ બચ્યો હતો, પરંતુ હું માનું છું કે, રોય જાણતા હતા કે તેનાથી વધારે આશાઓ રાખી શકાય તેમ નથી. આ બાબત ખૂબ જ ચોંકાવનારી છે કે તેમણે આત્મહત્યા કરી લીધી છે. જો કે તેમના આકસ્મિક મૃત્યુ અંગે પોલીસ તપાસ કરવામાં આવશે તેમ પટનાયકે ઉમેર્યું હતું.
ડેવિડ હેડલી સાથે જોડાયેલી કડી મેળવનાર ટુકડીનો પણ ભાગ હતા હિમાંશુ રોય
હિમાંશુ રોય અમેરિકા દ્વારા સમર્થિત લશ્કર-એ-તૈબાના આતંકી ડેવિડ હેડલી સાથે જોડાયેલી કડી મેળવનાર ટુકડીમાં કાર્યરત હતા. હેડલી ર૬/૧૧ના આતંકી હુમલા પહેલાં શરૂ કરવામાં આવેલા મિશનમાં સામેલ હતો.
મુંબઈ પોલીસે હિમાંશુ રોયની સ્યુસાઈડ નોટમાંથી મેળવી માહિતી : ‘હું અસહ્ય પીડા અનુભવતો હોવાથી મેં અંતિમ પગલું ભર્યું’
મહારાષ્ટ્રની એટીએસના પૂર્વ ચીફ હિમાંશુ રોયે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રોય ચર્ચામાં ત્યારે આવ્યા હતા કે જ્યારે તેમણે ર૦૧૩ દરમિયાન રમાયેલ આઈપીએલમાં બુકી તરીકે સંકળાયેલા વિંદુ દારાસિંઘની ધરપકડ કરી હતી. હાલ તો આ સુપરકોપની સ્યુસાઈડ નોટ મળી આવી છે, જેના લખાણમાં જણાવાયું છે કે, તેમના મૃત્યુ માટે કોઈપણ જવાબદાર નથી. હિમાંશુ રોયે પોલીસ અધિકારી તરીકે તથા એટીએસના ચીફ તરીકે ફરજ બજાવી હતી તે દરમિયાન તેમણે ઘણાં મોટા પ્રકરણો ઉકેલ્યા છે. જેમાંના કેટલાક અહીં ટાંકવામાં આવ્યા છે.
(૧) દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરના ડ્રાઈવર આરીફ બાઈલ પર ગોળીબારનો કેસ. (ર) પત્રકાર જે.ડે.ની હત્યાનો કેસ. (૩) ડબલ મર્ડર કેસમાં વિજય પલાંદેની સંડોવણી. (૪) લૈલાખાન મર્ડર કેસ. (પ) લૉ ગ્રેજ્યુએટ પલ્લવીની હત્યાનો કેસ