મૈસૂર,તા.૧૧
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આત્મવિશ્વાસથી ભરપૂર છે. એમને આશા છે કે આ વખતની ચૂંટણીમાં તેઓ ૧ર૦થી વધુ બેઠકો પર વિજય હાસલ કરશે. પાછલા કેટલાક દિવસોમાં જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જોડી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે ઉતરી છે અને કોંગ્રેસ પર તીવ્ર પ્રહારો કરી રહી છે. આ હુમલાના વળતા જવાબમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ પ્રત્યે લોકો ઝુકાવ યથાવત છે. જનતાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ પાછલા ચાર વર્ષોમાં દેશ કે રાજ્યો માટે કશું કર્યું નથી. સિદ્ધારમૈયાએ કહ્યું કે, પીએમ મોદી અને અનંત કુમારનું કર્ણાટક માટે શું યોગદાન છે ? લોકો બીજેપીને શેના માટે વોટ આપે ? તેમણે કહ્યું કે કર્ણાટક ચૂંટણીમાં પીએમ મોદી અને અમિત શાહનો કોઈ પ્રભાવ પડવાનો નથી. અમિત શાહ ફક્ત સરકારી મશીનરીનો દુરૂપયોગ કરી રહ્યા છે અને કોમેડી શો જેવા છે, સિદ્ધારમૈયાએ કહ્યું કે મોદી અને શાહની જોડી આધારવિહિન આરોપો મૂકે છે તેમણે કહ્યું કે તેઓ કોઈની જેમ ગંદી રાજનીતિ રમતા નથી. પીએમ મોદીએ લગાવેલ આરોપો અંગે સિદ્ધારમૈયાએ કહ્યું કે, મોદી દેશના વડાપ્રધાન અને તેઓ રાજ્યના મુખ્યમંત્રી છે. મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સૈનિક છે. તેમણે કહ્યું કે અમારા બંનેના બેકગ્રાઉન્ડ સંપૂર્ણપણે અલગ છે. હું વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વ વિશે જાણતો નથી. પીએમ મોદીને સમજવું ખૂબ જ મુશ્કેલ છે.