(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કોંગ્રેસના નેતાઓએ આજે ચૂંટણી પંચને મળીને આવેદનપત્ર આપ્યું જેમાં માગણી કરવામાં આવી છે કે, કર્ણાટક વિધાનસભામાંથી ચૂંટણી લડનાર ભાજપના ઉમેદવાર બી.શ્રીરામુલુની ઉમેદવારી રદ કરવામાં આવે. કોંગ્રેસે એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો બહાર પાડયો છે જેમાં જણાવાયું છે કે શ્રીરામુલુ સુપ્રીમકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશને લાંચ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્ટિંગ વીડિયો જે ગુરૂવારે બહાર પડાયો છે એ મુજબ શ્રીરામુલુ સુપ્રીમકોર્ટના સીજેઆઈ કે.જી.બાલાક્રિશ્નને લાંચ આપવાના પ્રયાસો કરી રહ્યા છે. આ વીડિયો ર૦૧૦ના વર્ષનો છે જેમાં ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ અપાયાના આક્ષેપો છે. મીડિયાને સંબોધન કરતાં કર્ણાટકના ગૃહમંત્રી રામલિંગા રેડ્ડીએ આક્ષેપો કર્યા કે જજ બાલક્રિશ્નને નિવૃત્ત થવાના એક દિવસ પહેલાં ખાણ માફિયા રેડ્ડી ભાઈઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ અરજી દાખલ કરી જણાવ્યું છે કે મોટા ભ્રષ્ટાચારો આચરાયા હોવાનું બહાર આવ્યું છે જે ભાજપાના ઉમેદવારે આચર્યું છે. જેમાં જજને લાંચ આપવાના પણ આક્ષેપો છે. શ્રીરામુલુ ખાણ માફિયા રેડ્ડી ભાઈઓના નજીકના હોવાનું માનવામાં આવે છે અને ભાજપને ર૦૦૮ના વર્ષમાં વિજય અપાવવામાં એમનો મોટો ફાળો હતો. સુપ્રીમકોર્ટે જી.જનાર્દન રેડ્ડીને બેલ્લારીમાં ચૂંટણી પ્રચાર માટે પણ જવા ના પાડી હતી. ભાજપાએ જનાર્દન રેડ્ડીના સગાઓને આઠથી વધુ ટિકિટો આપી છે. શ્રીરામુલુ બે મતદાર વિસ્તારોમાંથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે માગણી કરી છે કે, શ્રીરામુલુની ઉમેદવારી બન્ને વિસ્તારોમાંથી રદ કરવામાં આવે. કોંગ્રેસે જણાવ્યું છે કે ૪૦ મિનિટના વીડિયોમાં બતાવાયું છે કે શ્રી.રામુલુ અને અન્ય ત્રણ વ્યક્તિઓ જી.જનાર્દન રેડ્ડી, કેપ્ટન રેડ્ડી અને સ્વામીજી સીજેઆઈના જમાઈ સાથે બેઠા છે જે રીતની ચર્ચા વીડિયોમાં જણાઈ આવે છે એ નાણાંની ચૂકવણીને લગતી છે જે ચૂકવણી જજના જમાઈને કરવાની છે જેના બદલામાં એ સીજેઆઈ પાસેથી રેડ્ડી ભાઈઓની તરફેણમાં ચુકાદો મેળવી આપશે. વીડિયો જોયા પછી એમાં શંકા નથી કે અહીં કોઈ અન્ય મુદ્દે ચર્ચા થઈ રહી છે. એ માટે પંચને વિનંતી કરાઈ છે કે શ્રીરામુલુની ઉમેદવારી રદ કરવામાં આવે.