વડોદરા તા.૧૧
કરોડો રૂપિયાનાં બેંક કૌભાંડમાં સંડોવાયેલા વડોદરાના ઉદ્યોગપતિ અમિત ભટનાગરની વૈભવી ઓડીકાર ઇડીનાં અધિકારનાં સ્વાંગમાં ઉઠાવી જનાર બે બોગસ અધિકારીઓ, ચોરીની ગાડી ખરીદવા સોદો કરનાર ૬ આરોપીઓને પોલીસે અદાલતમાં રજૂ કરતા અદાલતે તમામના છ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગત ૫ાંચ મેનાં રોજ ઉદ્યોગપતિ અમિત ભટનાગરનાં ન્યુ અલકાપુરી ખાતે આવેલા બંગલામાં ઇડીનાં અધિકારીનાં સ્વાંગમાં પહોંચેલા બે ગઠીયાઓ તપાસનાં બહાને ઉદ્યોગપતિની વૈભવી ઓડી કાર ઉઠાવી ગયા હતા. જે અંગે અમિત ભટનાગરનાં પુત્ર વેદાંતે લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ કાર રાજપીપળા પાસે બિનવારસી હાલતમાં મળી આવી હતી.
ઘટનાની તપાસ કરી રહેલી એસ.ઓ.જી. પોલીસે આ કાર ચોરીમાં સંડોવાયેલા અમિત ભટનાગરનાં ડ્રાઇવર તથા નોકરી કરતાં વેરીયસ ઉર્ફે શીનો રોબર્ટ કૈરાના, પ્રકાશ રોબીન નાયડુ, શ્રીકાંત ગાંધી તેમજ દિવ્યેશ ડાબી, કરશન રાઠવા તથા નગીન મકવાણાની ધરપકડ કરી હતી. એસ.ઓ.જી.એ. તમામ આરોપીઓને લક્ષ્મીપુરા પોલીસને સોંપતા પોલીસે કાર્યવાહી શરૂ કરી તમામ આરોપીઓને અદાલતમાં રજૂ કરી વિવિધ તપાસ કરવાની બાકી હોવાથી તેમજ આ ગુનામાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ કરવાની હોવાથી રીમાન્ડની માંગણી કરતા અદાલતે તમામ આરોપીઓના ૬ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.