(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૧
સયાજીગંજ પ્રિયલક્ષ્મી મીલની ચાલીમાં રહેતાં બે મુસ્લિમ યુવાનો પર પ્લેટફોર્મ નં.૭ ની સામે આવેલી ખાણીપીણીની લારી સામે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં હિંસક હુમલો થયો હતો. જેમાં ચાકુથી હુમલો થતાં બંને યુવાનોને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે સયાજીગંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર પ્રિયલક્ષ્મી મીલની ચાલીમાં રહેતાં સલીમભાઇ શેખનો પુત્ર મોહંમદહાફીઝ શેખ પ્લેટફોર્મ નં.૭ ની સામે આમલેટની લારી ચલાવે છે. એક દિવસ અગાઉ વિસ્તારમાં રહેતાં કિશોર સાલેસ્કર સાથે સીગરેટ લેવા બાબતે ઝઘડો થતા આજે કિશોર સાલેસ્કર તથા તેના પરિવારજનો શૈલેષ બબનરાવ, હરિશ સાલેસ્કર સહિત ચાર શખ્સો મોહંમદહાફીઝની લારી પર ધસી આવ્યા હતા તથા ઝઘડો કરી મોહંમદહાફીઝ પર ચાકુ વડે હુમલો કરતાં નાસભાગ મચી ગઇ હતી. ઝઘડામાં વચ્ચે છોડાવા પડેલા મોહંમદહુસેન શેખ પર પણ અમિત સાલેસ્કરે ચાકુ વડે હુમલો કરતાં તેને ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં સયાજીગંજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી તથા મોહંમદહાફીઝની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે સામે પક્ષે કિશોર સાલેસ્કરે પણ મોહંમદહાફીઝ તથા તેના સાથીઓએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.