(સંવાદદાતા દ્વારા) જંબુસર,તા.૧૧
જંબુસર તાલુકામાં તુવેર ખરીદીનું કામ ધીમુ ચાલે છે જેથી મોટાભાગના ખેડૂતોની તુવેર પડી રહી હોઈ ટેકાના ભાવે તુવેર ખરીદવાની મુદ્દત વધારવા માટે જંબુસરના ધારાસભ્યએ કૃષિમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
જંબુસર તાલુકાનો મુખ્ય પાક તુવેર છે. જેથી તુવેરનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. સરકાર દ્વારા ગુજકોમાસોલ, નાહેડના માધ્યમથી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરવા માટે જંબુસર તા.કો.ઓ.પરચેઝ એન્ડ સેલ યુનિયનની નિયુક્તિ કરી ખરીદી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેથી જંબુસર ખાતે રર૦૦ જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ છે. જે પૈકી પપ૦ ખેડૂતોની તુવેરની ખરીદી કરવામાં આવી છે. જ્યારે લગભગ ૧૬પ૦ ખેડૂતો બાકી રહી ગયેલ છે. ટેકાના ભાવે ખરીદીનું સેન્ટર અગામી ત્રણ-ચાર દિવસમાં બંધ થવાની વકી છે. જેથી મોટા ભાગના ખેડૂતો ટેકાના ભાવથી વંચિત રહી જવાની સંભાવના છે.