(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧પ
કર્ણાટક રાજ્યમાં કોંગ્રેસ દ્વારા વિકાસના અનેક કામો કરવા છતાં ત્યાંની પ્રજાએ ભ્રમિત થઈને યેદિયુરપ્પા જેવા દાગી નેતાને જીતાડ્યા છે. તેમ છતાં અમે કર્ણાટકની પ્રજાએ આપેલા જનાદેશને માથે ચઢાવીએ છીએ. એમ આણંદ સરકીટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં ભાજપને બહુમતી મળી છે, ત્યારે પ્રજાએ આપેલા જનાદેશનો સ્વીકાર કરીએ છીએ, પરંતુ દુઃખએ વાતનું છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકારએ પ્રજાલક્ષી તેમજ વિકાસનાં કામો કરવા છતાં પ્રજાએ ભાજપની સામ દામ દંડ ભેદની નીતીને લઈને તેમજ ભ્રમિત થઈને ભ્રષ્ટાચારનાં દાગ લાગેલા યેદિયુરપ્પાના નેતૃત્વને સ્વીકાર્યું છે અને ભ્રમિત થઈને મતદાન કર્યું છે, તેમ લાગી રહ્યું છે. આગામી દિવસોમાં દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો પ્રજાના પ્રશ્નોને લઈને લડાઈ લડતું રહેશે. કર્ણાટકમાં ભાજપને ૩૭ ટકા મત મળ્યા છે અને તેનાં કરતા કોંગ્રેસને વધુ મત મળ્યા છે. કોંગ્રેસને ૩૮ ટકા મત મળ્યા છે, ત્યારે આગામી સમયમાં કોંગ્રેસની ક્યાં ખામી રહી જેથી પ્રજાએ વિશ્વાસ ગુમાવ્યો છે. તેને શોધીને ફરીવાર પ્રજાનો વિશ્વાસ પ્રસ્થાપિત થાય તેવા કામ કરવામાં આવશે. આ ચૂંટણીનાં પરિણામોથી લાગી રહ્યું છે કે પ્રજાને ભ્રમિત કરીને તેમજ ધાર્મિક કટ્ટરવાદ ફેલાવીને સત્તાનો દુરૂપયોગ કરીને જીત મેળવી છે, ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે કામ કરશે. રાહુલ ગાંધી અમારા યુવા અને સક્ષમ નેતા છે. તેમના નેતૃત્વમાં સમગ્ર દેશમાં યુવાનો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે,અને રાહુલ ગાંધીનાં સક્ષમ નેતૃત્વ દ્વારા કોંગ્રેસને બમણા જોશ સાથે પ્રજાની વચ્ચે લઈ જઈ તેમજ દેશની એકતા, અખંડિતતા જળવાઈ રહે તેમજ સંવિધાનનું રક્ષણ થાય તેવા પ્રયાસો કરશે અને ફરી એકવાર સત્તામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતા.