નવી દિલ્હી,તા. ૧૫
દેશભરમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રચંડ તોફાન અને વરસાદ સંબંધિત બનાવોમાં વધુ લોકોના મોત થયા છે. ૨૦૧૭ની સરખામણીમાં વધુ લોકોના મોતના આંકડા અભ્યાસ બાદ જાણવા મળ્યા છે. ગયા વર્ષે સમગ્ર વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧૧મી એપ્રિલ બાદથી તોફાન અને વરસાદમાં વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. રવિવાર બાદથી જ પ્રચંડ તોફાન અને વરસાદથી છ રાજ્યોમાં ૯૪ લોકોના મોત થઇ ચુક્યા છે. આની સાથે જ એપ્રિલ બાદથી તોફાનોમાં મોતનો આંકડો ૨૭૮ પહોંચ્યો છે. મેના પ્રથમ બે સપ્તાહમાં મોતનો આંકડો ૨૨૩ રહ્યો છે જ્યારે એપ્રિલ મહિનામાં ૫૫ લોકોના મોત થયા છે. ગયા વર્ષે વાવાઝોડામાં ૧૯૭ના મોત થયા હતા જ્યારે ૨૦૧૬માં ૨૧૬ના મોત થયા હતા. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા ઉપર આ બાબત આધારિત છે. હવામાન વિભાગનું પણ કહેવું છે કે, છેલ્લા પાંચ સપ્તાહમાં ઉત્તર ભારતમાં તોફાન અભૂતપૂર્વ રહ્યું છે. મોનસુનની સિઝનમાં પણ ઉત્તરભારતમાં વરસાદ અને વાવાઝોડુ આવતું રહે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સામાન્યરીતે આ સ્થિતિ સર્જાય છે પરંતુ આ વખતે વહેલીતકે આ સ્થિતિ જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધૂળભરેલા તોફાન અને વરસાદના લીધે રવિવારના દિવસે મોડી સાંજે ભારે નુકસાન થયું હતું. આ આંધી તોફાનમાં મોતનો આંકડો વધીને ૫૭ ઉપર પહોંચી ગયો હતો. સંપત્તિને અભૂતપૂર્વ નુકસાન પણ થયું હતું. એકલા ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે નુકસાન થયું છે જ્યાં ૩૯ લોકોના મોત થઇ ગયા હતા. બંગાળમાં ચાર, આંધ્રમાં નવ અને દિલ્હીમાં એકનું મોત થયું હતું. હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ, મેઘાલય, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિળનાડુમાં પણ અનેક જગ્યાઓએ વરસાદ થયો હતો. ૧૦ દિવસ પહેલા જ પ્રચંડ તોફાન અને વરસાદના કારણે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ અને પંજાબમાં ૧૩૪ લોકોના મોત થયા હતા અને ૪૦૦ લોકો ઘાયલ થયા હતા. એકલા ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે ૮૦ લોકોના મોત થયા હતા. ઉત્તરપ્રદેશમાં પણ આગરામાં સૌથી વધુ નુકસાન થયું હતું. નવમી મેના દિવસે ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ફરી પ્રચંડ આંધી તોફાનમાં ૧૮ લોકોના મોત થયા હતા અને ૨૭ લોકો ઘાયલ થયા હતા. છેલ્લા બે સપ્તાહના ગાળામાં જ આંધી તોફાન અને પ્રંચડ વાવાઝોડા તેમજ વરસાદ સંબંધિત બનાવમાં ૨૦૦થી પણ વધુ લોકોના મોત થઇ ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે.