(એજન્સી)
ભોપાલ, તા.૧પ
એમ.પી.બોર્ડનું ધોરણ ૧૦ અને ૧રનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ખજૂરાહોમાં એક વિદ્યાર્થીએ પરિણામથી દુઃખી થઈને આત્મહત્યા કરી લીધી. એક તરફ જ્યાં એવું સમજાવવામાં આવે છે કે સફળતા અને નિષ્ફળ જીવનનો ભાગ હોય છે. નાપાસ થવાથી વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે અને મોટું પગલું ભરી લે છે. એવામાં માતા-પિતાએ બાળકોને એ જણાવવું જરૂરી બની જાય છે કે આગળ પણ મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે. સાગરમાં એક પિતાએ કંઈક આવું જ કર્યું જેની ચર્ચા થઈ રહી છે. સરસ્વતી શિશુ મંદિરમાં અભ્યાસ કરનાર ધોરણ ૧૦નો વિદ્યાર્થી આશુ વ્યાસ ૬માંથી ૪ વિષયમાં નાપાસ થઈ ગયો હતો.
તેના પિતા સુરેન્દ્ર કુમાર વ્યાસે ગુસ્સો કરવાને બદલે દીકરાના પ્રોત્સાહન માટે રેલી યોજી. તેમને ડર હતો કે ક્યાંક દીકરો ખોટું પગલું ના ભરી લે. તેથી તેમણે દીકરાને પ્રોત્સાહન આપવા માટે સરઘસ કાઢ્યું, ફટાકડા ફોડ્યા અને મીઠાઈઓ પણ વહેંચી. આશુએ પોતાના પિતાને વચન આપ્યું છે કે તે ‘રૂક જાના નહીં યોજના’નું ફોર્મ ભરીને ૪ વિષયોનો ફરીથી અભ્યાસ કરશે અને ૧૦માં ધોરણની પરીક્ષા પાસ કરી બતાવશે. આ યોજના હેઠળ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફરીથી ફોર્મ ભરીને યોગ્ય સમય લઈ પોતાનો અભ્યાસ પૂરો કરી શકે છે. તેની પરીક્ષા ર૦ જૂનથી શરૂ થશે.