(એજન્સી) જેરૂસલેમ, વોશિંગ્ટન, તા. ૧૫
અમેરિકાએ ઇઝરાયેલના તેલઅવીવથી તેનો દૂતાવાસ ખસેડીને જેરૂસલેમમાં નવો દૂતાવાસ ખોલ્યો છે. અમેરિકાના આ પગલાંથી પેલેસ્ટીનના લોકો રોષે ભરાયા છે અને ઈઝરાયેલી સૈનિકો સાથે ઘર્ષણ સર્જાયું હતું. જેરૂસલેમમાં અમેરિકી દૂતાવાસના ઉદ્ઘાટન અંગે ગાઝા-ઇઝરાયેલ સરહદે વિરોધ પ્રદર્શન કરી રહેલા પેલેસ્ટીની દેખાવકારો પર ઈઝરાયેલી સૈનિકો દ્વારા કરવામાં આવેલા બેફામ ગોળીબારમાં ૫૫ પેલેસ્ટાઇની શહીદ થયા છે અને ૨,૭૭૧ ઘવાયા છે. ઘવાયેલાઓમાં ૨૦૦ લોકો ૧૮ વર્ષથી ઓછી વયના અને ૧૧ પત્રકારોનો પણ સમાવેશ થાય છે. ૨૦૧૪ના વર્ષ પછી ગાઝામાં આ સૌથી ભયંકર હિંસા છે. ઇઝરાયેલના સુરક્ષા દળોએ જણાવ્યું કે ગાઝાપટ્ટી સુરક્ષા વાડને અડીને આવેલા ૧૩ સ્થળોએ પેલેસ્ટીનના ૪૦,૦૦૦ લોકોએ આ હિંસક તોફાનમાં ભાગ લીધો હતો. જેરૂસલેમમાં અમેરિકી દૂતાવાસના ઉદ્ઘાટનને પગલે હિંસા થઇ છે. ઉદ્ઘાટનમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ઇવાંકા ટ્રમ્પ, તેમના જમાઇ જેયર્ડ કુશ્નર અને નાણાં પ્રધાન સ્ટીવન નુચિનના નેતૃત્વમાં અમેરિકી પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બીબીસીના અહેવાલ મુજબ ઈઝરાયેલી પોલીસ અને રોષે ભરાયેલા દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. દેખાવકારોએ નવા દૂતાવાસની બહાર પેલેસ્ટીનના ધ્વજ ફરકાવ્યા હતા. ઘણા દેખાવકારોની અટકાયત પણ કરવામાં આવી હતી. દરમિયાન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેરૂસલેમને ઇઝરાયેલની ઔપચારિક રાજધાની તરીકે માન્યતા આપવામાં આવ્યા બાદ અમેરિકી દૂતાવાસ તેલઅવીવથી ડિસેમ્બર ૨૦૧૭માં જેરૂસલેમમાં ખસેડવાની જાહેરાત કરવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે દૂતાવાસના રેકોર્ડ સંદેશામાં જણાવ્યું હતું કે આજે અમે જેરૂસલેમમાં સત્તાવાર રીતે દૂતાવાસ ખોલ્યો, અભિનંદન. આ પ્રસંગ આવતા ઘણો સમય લાગ્યો. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દૂતાવાસના ઉદ્ઘાટન સમારંભમાં બોલતા જણાવ્યું કે, પોતાનો વાયદો પૂરો કરવા માટે સાહસ દર્શાવવા બદલ અમેરિકી પ્રમુખ ટ્રમ્પનો આભાર.
૫૫ પેલેસ્ટીની શહીદ થયા બાદ ઉંઘમાંથી જાગ્યું સંયુક્ત
રાષ્ટ્ર, ઇઝરાયેલને હિંસા રોકવાની અપીલ કરી
(એજન્સી) સંયુક્ત રાષ્ટ્ર, તા. ૧૫
સંયુક્ત રાષ્ટ્ર સંઘની સમિતિએ પેલેસ્ટીનીઓ વિરૂદ્ધ ઈઝરાયેલી સૈનિકોના હિંસક અને અમાનવીય વર્તન રોકવાની માગણી કરી છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર રક્ષકો અને નિષ્ણાતોએ આ જ પ્રકારે જાયોની શાસનને પેલેસ્ટીનીઓ વિરૂદ્ધ હિંસા રોકવાની અપીલ કરી છે અને આ હુમલાઓની નિષ્પક્ષ તપાસ કરવાની માગણી કરી છે. સંયુક્ત રાષ્ટ્રે પેલેસ્ટીનીઓ પર ઈઝરાયેલી સૈનિકોના બેફામ ગોળીબારની ઘટનાને વખોડી કાઢી છે. પેલેસ્ટીન ઓથોરિટીના નેતાએ પણ આ ઘટનાને ભયાનક કત્લેઆમ ગણાવી છે. પેલેસ્ટીન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમે સાંભળ્યું છે કે આજે એમ્બેસીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વસાહત છે એમ્બેસી નથી. પૂર્વ જેરૂસલેમમાં અમેરિકી વસાહત છે. જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમની સેના દ્વારા આચરવામાં આવેલી ક્રૂરતાનો બચાવ કર્યો છે અને જણાવ્યું કે સેનાએ ગાઝાના ઇસ્લામિક શાસકો હમાસ સામે પોતાના સ્વબચાવમાં પગલું ભર્યું છે. હમાસ ઇઝરાયેલનો નાશ કરવા માંગે છે.
અમેરિકી દૂતાવાસ તેલ-અવીવથી બૈતુલ મુકદ્દસ ખસેડવાના પ્રસંગે પેલેસ્ટીનીઓએ કરેલા વ્યાપક દેખાવો પર ઇઝરાયેલી સૈનિકો દ્વારા બેફામ ગોળીબાર કરવામાં આવતા અત્યાર સુધી ૫૫થી વધુ પેલેસ્ટીની શહીદ થયા છે અને બે હજારથી વધુ દેખાવકારો ઘવાયા છે. શહીદોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે નકબા દિવસના પ્રસંગે જાયોની શાસન સામે દેખાવો કરી રહેલા દેખાવકારો પર ઈઝરાયેલી સૈનિકોએ બેફામ ગોળીબાર કર્યો હતો. ઈઝરાયેલી સૈનિકોના ગોળીબારમાં શહીદ થયેલા પેલેસ્ટીનીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.