વેરાવળ, તા. ૧પ
વેરાવળ સમસ્ત સુન્ની મુસ્લિમ ભાડેલા સમાજ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં ભાડેલા મુસ્લિમ માછીમાર જ્ઞાતિને જન સેવા કેન્દ્રમાં કોમ્પ્યુટરાઈઝડ ડેટામાં દાખલ કરવા અંગે મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરી માંગ કરેલ છે. વેરાવળ સમસ્ત સુન્ની મુસ્લિમ ભાડેલા સમાજ દ્વારા ક્લેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, ભાડેલા સમાજના લોકો વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં વર્ષોથી રહી અને માછીમારોના વ્યવસાય સાથે જોડાઈ દરિયો ખેડી આજીવિકા મેળવી છે અને ગુજરાત રાજ્યના દરેક બંદરોના દરિયાકાંઠા પર આ સમાજના લોકો વસવાટ કરી ગુજરાન ચલાવે છે. ભાડેલા જ્ઞાતિને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં ક્રમ નં. ૩૭ ઉપર ખારવા-ભાડેલા એવું પ્રમાણપત્ર નિયમાનુસાર આપવાનું થાય છે. તેની ભલામણ સેકશન અધિકારી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ એમ.એસ. સોનીએ કચેરીમાં ક્રમાંક નં. ૧૧/ર૦૦ર/૪રર તા. ર૮-૩-ર૦૦ર ગાંધીનગરથી જિલ્લા વિકાસ અધિકારીને તથા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરી જૂનાગઢને પણ હુકમ કરેલ છે. પરંતુ હાલ તાલુકા કક્ષાએ આવેલ જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટરાઈઝડ સેન્ટરોમાં ઓનલાઈન દાખલાની કોલમમાં ભાડેલા-મુસ્લિમ સમાજનું નામ દાખલા ડેટા એન્ટ્રીમાં સમાવિષ્ટ ન હોવાથી વિસંગતતાના કારણે દાખલા આપવામાં આવતા નથી. આ બાબતે અગાઉ અનેક વખત રજૂઆતો કરેલ હોય તેમ છતાં સેક્શન અધિકારી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પછાત વર્ગ માટે પંચને રજૂઆત કરવાનું કહે છે. ત્યારે ભાડેલા જ્ઞાતિને ૧૯૭૬થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કરાયેલ હોય અને પંચનો અહેવાલ હોય તેથી આ ન્યાયિક અમલવારી કરવાની માંગ કરેલ છે. આ રજૂઆતની જાણ સામાજિક શૈક્ષણિક પછાત કલ્યાણ અધિકારી, સાંસદ સભ્ય મુખ્યમંત્રી સહિતના લાગતા વળગતાઓને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.