(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧પ
કર્ણાટકના ચૂંટણી પરિણામો રાજકારણની મુશ્કેલ રમત જેમ બની ગયા છે. આ પ્રકરણમાં જે વ્યક્તિને ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો છે એ ગુજરાત ભાજપના પૂર્વ નેતા છે. આરએસએસના કાર્યકર્તા વજુભાઈ વાળા ભાજપ સાથે જોડાયા અને એ પછી ગુજરાત એકમના બે વખત અધ્યક્ષ રહ્યા હતા. એમને મોદી સરકારે ર૦૧૪માં કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા હતા. જો એ પ્રચલિત પ્રણાલિ મુજબ વર્તન કરે તો એમને સરકાર રચવા સૌથી મોટા પક્ષને પહેલાં આમંત્રણ આપવું જોઈએ. પણ આ પ્રણાલિનું ગોવા અને મણિપુરમાં અમલ થયો ન હતો જ્યાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હતો. નિષ્ણાંતોના મતે રાજ્યપાલ બે પક્ષોને સાથે પણ બોલાવી શકે જે પોતાની બહુમતી સાબિત કરતા હોય. વાળાએ પોતાની રાજકોટ ધારાસભ્યની બેઠક વડાપ્રધાન મોદી માટે ર૦૦૧ના વર્ષમાં ખાલી કરી હતી જ્યારે મોદી પહેલી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હતા. એ પછી ર૦૦રમાં મોદીએ અમદાવાદથી મણિનગર બેઠકથી ઉમેદવારી કરી અને વાળા પાછા રાજકોટ જતા રહ્યા. જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાળાને નાણાપ્રધાન બનાવાયા હતા. એમણે સતત ૧૮ વખત બજેટ રજૂ કર્યું હતું. સૌથી પહેલાં એ આરએસએસ સાથે જોડાયેલા જનસંઘમાં જોડાયા હતા એ પછી કેશુભાઈની નજીક આવ્યા હતા. ૧૯૭પમાં એ રાજકોટના મેયર તરીકે પણ રહી ચૂકયા છે. કટોકટીના સમયે ૧૧ મહિના સુધી સાબરમતી જેલમાં પણ રહ્યા હતા.