(એજન્સી) બેલગાવી, તા. ૧૫
કર્ણાટક ચૂંટણી પ્રચારમાં એક ધારાસભ્યે અસલી મુદ્દાને કોરાણે મુકવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિણામમાં જનતાએ પોતાની શક્તિનો પરિચય આપી દીધો છે અને તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. બેલગાવી ગ્રામીણમાંથી ભાજપના ધારાસભ્ય સંજય પાટિલે ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કર્ણાટક ચૂંટણીમાં મુદ્દો રોડ-પાણીનો નથી પરંતુ હિંદુ-મુસ્લિમનો છે. તેમણે કહ્યું હતું કે, બાબરી મસ્જિદ વિરૂદ્ધ રામ મંદિર તેમના માટે મોટો મુદ્દો છે. તેઓ રામ મંદિર નિર્માણ માટે કોઇ પણ હદ સુધી જવા માટે તૈયાર છે. પાટિલને લક્ષ્મીએ બમણા મતોથી કારમો પરાજય આપ્યો છે. એક લાખથી વધુ મતો મેળવનારા લક્ષ્મીએ પાટિલને ૫૦,૦૦૦ મતો કરતાં વધુ મતોથી હરાવ્યા છે. પાટિલના નિવેદનથી લોકો એ માટે પણ નારાજ હતા કારણ કે, તેઓ એવા વિસ્તારના ધારાસભ્ય હતા જ્યાં લાંબા સમયથી દુકાળ પડે છે. અહીના ખેડૂતો પાણીની સમસ્યાથી પરેશાન છે. એટલું જ નહીં બેલગાવી કર્ણાટકનો સૌથી પછાત વિસ્તાર છે અને એવા સમયે ધારાસભ્યે પાણીનો મુદ્દો નહીં હોવાનો એકરાર કરતાં જનતા નારાજ હતી.