(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧પ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વોટની ગણતરી શરૂ થઈ ગઈ છે. હાલની સ્થિતિએ પોસ્ટલ બેલેટની ગણતરીમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. પોસ્ટલ બેલેટ બાદ હવે ઈવીએમ ખોલવામાં આવ્યો છે જેમાં તાજેતરના પરિણામોમાં બીજેપી આગળ છે.
શરૂઆતના પરિણામોમાં સત્તાધારી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ખરાખરીની જંગ જોવામાં આવી રહી છે જ્યારે જેડીએસ ગઠબંધનની સ્થિતિ પણ મજબૂત પક્ષ તરીકે જોવામાં આવી રહી છે. બેંગ્લુરૂમાં મતગણતરી કેન્દ્રોની સુરક્ષા માટે ૧૧૦૦૦ પોલીસ કર્મી, રૈપિડ એક્શન ફોર્સની ટુકડી અને કર્ણાટક રાજ્ય રિઝર્વ પોલીસ (કેએસઆરપી)ની ર૦ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી), કોંગ્રેસ અને જનતાદળ (સેક્યુલર) વચ્ચે અસલી લડાઈ છે. ત્રણેય પાર્ટીએ એમના જ પક્ષને બહુમતી મળવાનો દાવો કર્યો છે. જો કે એક્ઝિટ પોલ્સમાં દેવગૌડાની જનતાદળ(એસ) કિંગમેકર તરીકે ઉભરી શકે છે.