(એજન્સી) તા.૧પ
પાકિસ્તાનથી આયાત કરવામાં આવેલી ખાંડ મહારાષ્ટ્રના વિપક્ષો માટે નવો મુદ્દો બની ગયો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવાણે પાકિસ્તાનમાંથી ખાંડ આયાત કરવાની પરવાનગી આપવા બદલ કેન્દ્રની નિંદા કરી હતી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને ભારતમાં લાવવાનું વચન આપ્યું હતું. પરંતુ હવે એનડીએ સરકાર પાકિસ્તાનમાંથી ખાંડ આયાત કરી રહી છે. એવું લાગે છે કે, મોદીને પાકિસ્તાનના ખેડૂતોના દુઃખની વધારે ચિંતા છે. ચવાણે કહ્યું હતું કે જ્યારે ભારતમાં શેરડીનો મબલખ પાક થયો છે ત્યારે પાકિસ્તાનથી ખાંડ આયાત કરવી એ સલાહભર્યું નિર્ણય નથી. તેમણે કહ્યું હતું કે, જો પાકિસ્તાનથી ખાંડ આયાત કરવામાં આવશે તો સમગ્ર ખાંડ ઉદ્યોગ ભાંગી પડશે અને આ ઘટના માટે મોદીએ જવાબદારી લેવી જ પડશે. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, રપ૦ મેટ્રીક ટન ખાંડના ઉત્પાદનની આશા રાખવામાં આવતી હતી પરંતુ તેનો ઉત્પાદન ૩ર૦ મેટ્રીક ટનને પાર કરી ગયો છે. ગોડાઉનમાં ખાંડનો વિશાળ જથ્થો પડ્યો છે. પહેલાં ખાંડનો ભાવ ૪૦થી ૪ર રૂપિયા પ્રતિકિલો ગ્રામ હતું હવે તે ઘટીને રપ રૂપિયા પ્રતિકિલો ગ્રામ થઈ ગયું છે. તેમણે ભય વ્યક્ત કર્યો હતો કે જો ભારતમાં ખાંડના ભાવ હજી ઘટશે તો તે શેરડીના ખેડૂતો માટે સારું નહીં હોય.