અમદાવાદ,તા.૧૬
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પર પ્રહાર કરવાની એકેય તક જતી કરતો નથી ત્યારે કર્ણાટકમાં ભાજપે ૧૦૪ સીટો જીતવા મામલે હાર્દિક ટ્વીટ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યો છે. કર્ણાટકમાં ભાજપ તોડજોડ અને ધારાસભ્યો ખરીદીને પણ સરકાર બનાવી જ લેશે તેમ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિકે કટાક્ષ કર્યો છે. હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું છે કે જ્યારે ચાર બેઠક જીતીને પણ ભાજપ સરકાર બનાવી લે છે ત્યારે ૧૦૪ બેઠક જીતીને તો ભાજપ ચોક્કસ સરકાર બનાવી લેશે. જુઠું બોલીને, ધમકી આપીને, ધારાસભ્યો ખરીદીને, બેઈમાનીથી સરકાર બનાવવી, ગુપ્ત રીતે ભ્રષ્ટાચાર કરવો, દેશદ્રોહીને દેશભક્ત બનાવવો, મોટા ચોરોને ભગાડી મૂકવા, ખોટા કેસ કરવા, નાટક કરવા, આંદોલનકારીઓને જેલમાં મોકલવાને ભાજપથી શીખવાની જરૂર છે.