(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૬
ભાજપ સરકારે બે વર્ષ અગાઉ જન ઔષધી સ્ટોર્સના નામે જેનરિક દવાઓ અને સાધનો પોષાય તેવા દરે સરળતાથી મળી રહે તેવી મોટી મોટી જાહેરાતો કરી હતી. પરંતુ ખુદ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પરિપત્ર અનુસાર જનઔષધિ સ્ટોર્સ ચાલતા નથી. એ મુજબનું એકરારનામુ એ નિષ્ફળતાનો સ્વીકારનામું છે. રર વર્ષથી શાસન કરતી ભાજપ સરકારના રાજમાં ગુજરાતમાં પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રોનું માળખું સંપૂર્ણપણે પડી ભાગ્યું છે. ભાજપ સરકાર દ્વારા રૂા.૧ર કરોડની મોટી-મોટી ખોટી જાહેરાતો અને રૂા.૩૦ કરોડના સરકારી તિજોરીના નાણાં વેડફાટ અંગે ભાજપ સરકારનો હિસાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે ચૂંટણી નજીક આવતા અનેક જાહેરાતોની તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ઓગસ્ટ-ર૦૧૬માં ‘જન ઔષધિ સ્ટોર્સ’ના નામે ઉદ્ઘાટનો કર્યા. જે બાવન જેટલા ‘જન ઔષધિ સ્ટોર્સ’ સરકારી હોસ્પિટલના પરિસરમાં જ ઉભા કરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આજે ર૦ મહિના કરતાં વધુ સમય થયો હોવા છતાં ‘જન ઔષધિ સ્ટોર્સ’માં ઉપલબ્ધ દવાઓના ભાવો મનફાવે તે રીતે વસુલાય છે, એક જ દવાના દરેક જેનરિક સ્ટોર્સમાં અલગ અલગ કિંમત તે સ્ટોર્સના સંચાલકો વસુલે છે. ગુજરાત રાજ્યમાં રર વર્ષથી શાસન કરનાર ભાજપ સરકારમાં સરકારી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલોમાં પણ તબીબી સેવાનું સ્તર કથળી ગયુ છે. વિવિધ સેવાઓના નામે દર્દીઓ પાસેથી બેફામ નાણાંઓ વસુલાય છે. સરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનોને પાસેથી જે નાણાં વસુલાય છે તેનો હિસાબ મળતો નથી.
ભાજપ સરકારે અનેક હોસ્પિટલો પોતાના મળતિયાઓને ચલાવવા ભેટ ધરી દીધી
રાજ્યમાં બ્રાઉનફિલ્ડના નામે કરોડો રૂપિયાના સરકારી ખર્ચે ઊભી થયેલી મોટી હોસ્પિટલો પોતાના મળતિયાઓને ખાનગી મેડિકલ કોલેજ ઊંચી ફી સાથે શરૂ કરવા માટે ભાજપ સરકાર ભેટ સ્વરૂપે આપી રહી છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પાસે સાડાચાર લાખથી સાત લાખ જેટલી ફી વસુલાય છે. ભાજપ સરકારે આ જ રીતે પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી ભૂજની ૩૦૦ કરોડના ખર્ચે ઊભી થયેલ અત્યંત આધુનિક હોસ્પિટલ પોતાના વ્હાલાં ઉદ્યોગપતિને ભેટ આપી દીધી છે. જે ઉદ્યોગગૃહ ગુજરાતના વિદ્યાર્થીઓ પાસેથી પાંચ લાખથી સત્તર લાખ જેટલી ફી વસુલી રહી છે.