(એજન્સી) હૈદરાબાદ તા. ૧૬
આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં ગોદાવરી નદીમાં ચાલીસ પ્રવાસીઓ સાથેની એક બોટ ડૂબી ગઈ હતી. જેને કારણે બોટમાં સવાર તમામ પ્રવાસીઓ પાણીમાં પડી ગયા હતા.જે માંથી ૧૪ પ્રવાસીઓના મોત થયા હતા. જ્યારે હજીપણ લોકો ગુમ થયેલની રિપોર્ટ મળી છે.
ઘટનાસ્થળે પહોંચેલા રાહત અને બચાવ કાર્યદળ દ્વારા લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીમાં બચાવ કાર્યદળે ૧૪ મૃતદેહોને નદીમાંથી બહાર કાઢયા હતા. જ્યારે ઘણા બધા લોકો હજીપણ લાપતા થયેલ છે, જેમની શોધખોળ હજીપણ ચાલુ છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન.ચંદ્રાબાબુ નાયડુએ પૂર્વ ગોદાવરી જિલ્લાના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને દુર્ઘટનાની જાણકારી મેળવી છે. આ બોટ કોંદામોડાલુથી રાજમહેન્દ્રવરમ જઈ રહી હતી અને ત્યારે તે દુર્ઘટનાગ્રસ્ત બની હતી.
એનડીઆરએફ દ્વારા લાપતા થયેલા લોકોની શોધખોળની કામગીરી થઈ રહી છે. આ દુર્ઘટના બાદ લગભગ દશ લોકો પાણીમાં તરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આંધ્રપ્રદેશમાં સર્જાયેલી નૌકા દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે અને લાપતા લોકોની સુરક્ષિત વાપસીની કામના પણ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગોદાવરી નદીમાં સર્જાયેલી નૌકા દુર્ઘટના બદલ દુઃખ વ્યક્ત કર્યું છે.