(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
સુપ્રીમકોર્ટે પોતાના વચગાળાના આદેશમાં કઠુઆ બળાત્કાર હત્યા કેસના ત્રણ સાક્ષીઓને રક્ષણ આપવા ઈન્કાર કર્યો. આ કેસના ત્રણ સાક્ષીઓએ સુપ્રીમકોર્ટ સમક્ષ રક્ષણ મેળવવા માગણી કરતી અરજી દાખલ કરી હતી. એમણે અરજીમાં જણાવ્યું કે, અમને રાજ્યની પોલીસ દ્વારા ત્રાસ અપાઈ રહ્યું છે જેની સામે રક્ષણ માંગ્યું હતું. એ સાથે સુપ્રીમકોર્ટે અરજદારોની તપાસ એજન્સી બદલવાની માગણી પણ નકારી કાઢી. સીજેઆઈ દીપક મિશ્રાની આગવાની હેઠળ બેંચે અરજીની સુનાવણી કરી હતી. અરજદાર સુનીલ શર્મા અને અન્ય બે સાક્ષીઓ જે સગીર આરોપીઓના મિત્રો છે. એમણે જણાવ્યું કે એમણે પોતાના નિવેદનો પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવ્યા છે. એમણે જણાવ્યું કે, નિવેદનો અમોએ ભય હેઠળ આપ્યા છે. આ પ્રકારનું નિવેદન એમણે મેજિસ્ટ્રેટ સમક્ષ આપ્યું હતું. અરજીમાં આક્ષેપો કરાયા છે કે પોલીસ અમને નિવેદનો બદલવા માટે દબાણ કરી રહી છે. અમને ફરીથી હાજર થવા અને ફરીથી નિવેદનો નોંધાવવા કરી રહી છે. એના માટે અમારા કુટુંબીજનોને પણ દબાણ કરી રહી છે. સુપ્રીમકોર્ટે આ કેસને ૭મી મેએ જમ્મુમાંથી ટ્રાન્સફર કરી પઠાનકોટ ચલાવવા આદેશ કર્યો હતો.